અમદાવાદમાં 'ચિલ્ડ્રન બેંક'ની નકલી નોટોનું કૌભાંડ! તમે ધ્યાન રાખજો નહીં તો...
અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટો દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો ઘાટલોડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹500ના દરની 1,666 નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ નોટોની દર્શાવેલી કુલ કિંમત ₹8.33 લાખ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે આ જ ગેંગે અગાઉ ઊંઝાના એક વેપારીને ₹40 લાખની નકલી નોટો પધરાવી મોટો ચૂનો લગાવ્યો હતો. વેપારી અને પોલીસની સતર્કતાને કારણે બીજી વખત છેતરપિંડી કરવા આવેલા આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.
ઊંઝાના વેપારી સાથે ₹40 લાખની છેતરપિંડી
17 નવેમ્બરના રોજ બે શખસો બેંકની પટ્ટી લગાવેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલ બહારથી બેંકમાં મળતા અસલી ચલણના બંડલ જેવા દેખાતા હોવાથી વેપારીને વિશ્વાસ બેઠો હતો. બીજી તરફ નાગપુરમાં પણ ₹40 લાખનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું. પરંતુ વેપારીએ થેલો ખોલીને નોટોની તપાસ કરી ત્યારે આખો ખેલ સામે આવ્યો હતો. બંડલમાં એકપણ અસલી નોટ નહોતી. તમામ નોટો પર 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલું હતું. આ રીતે વેપારી સાથે ₹40 લાખની છેતરપિંડી થઈ હતી.
વેપારીએ પોલીસ સાથે મળીને ગોઠવ્યું છટકું
40 લાખની છેતરપિંડી બાદ વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપીઓ ફરીથી આ જ મોડસ ઓપરેન્ડીથી પૈસા લેવા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે છટકું ગોઠવવાની યોજના બનાવી હતી. આ વખતે ફરી નાગપુરથી અમદાવાદમાં વેપારીના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે પેમેન્ટ મંગાવવાનું નાટક કરવામાં આવ્યું હતું. 19 નવેમ્બરના રોજ બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને આવી પહોંચ્યા હોવાની જાણ કરી હતી.
સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે પોલીસની ટ્રેપ
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસેના ત્રણ રસ્તા નજીક છટકું ગોઠવ્યું હતું.આરોપીઓ નોટોના બંડલ બતાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. તેઓ થેલામાંથી બંડલ બહાર કાઢી રહ્યા હતા ત્યારે જ પોલીસે ચારે તરફથી ઘેરી લીધા હતા અને બંનેને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓની ઓળખ 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર, રહેવાસી દિલ્હી અને 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા, રહેવાસી બિકાનેર, રાજસ્થાન તરીકે થઈ છે.
₹5 હજારના કમિશન માટે પહોંચાડતા હતા નકલી નોટોના બંડલ
પોલીસની પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ પાછળ મોટું આંતરરાજ્ય નેટવર્ક હોવાની વિગતો સામે આવી છે. તપાસ મુજબ, નોઈડામાં રહેતા ગજાનંદ શર્માએ ધનરાજ નામના વ્યક્તિ સાથે બંને આરોપીઓનો સંપર્ક કરાવ્યો હતો.ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર રેલવે સ્ટેશન નજીક વરુણ નામના શખસે બંને આરોપીઓને નકલી નોટોના બંડલ આપ્યા હતા.આ બંડલ અમદાવાદ પહોંચાડવાના બદલામાં બંને આરોપીઓને વ્યક્તિદીઠ ₹5 હજાર કમિશન ઉપરાંત રેલવેનું ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી. એટલે કે, માત્ર કમિશન મેળવવા માટે બંને આરોપીઓ આ નકલી નોટોના બંડલ એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચાડતા હોવાનો પોલીસને તપાસમાં ખુલાસો થયો છે.
17 બંડલમાંથી મળી 1,666 નકલી નોટો
પોલીસે આરોપીઓ પાસેથી કબજે કરેલા 17 બંડલની તપાસ કરતાં દરેક બંડલમાંથી 98 નોટ મળી આવી હતી. આમ કુલ 1,666 નોટો મળી આવી હતી. તમામ નોટો ₹500ના દરની હતી, જેની કુલ દર્શાવેલી કિંમત ₹8.33 લાખ થાય છે.નોટોના બંડલને અસલી દેખાડવા માટે બહાર પીળા રંગના કાગળની પટ્ટીઓ લગાવવામાં આવી હતી. તેના પર ICICI બેંકનાં ખોટાં લેબલ અને સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જોકે, અંદરની નોટો પર 'ભારતીય મનોરંજન બેંક – પાંચ સો કુપન' અને 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' જેવા શબ્દો લખેલા હતા. આ નોટો કાયદેસર ચલણ નહોતી, પરંતુ બેંકની નોટો જેવી દેખાય તે રીતે તૈયાર કરવામાં આવી હતી.
કુલ પાંચ આરોપીઓ સામે ગુનો, ત્રણની શોધખોળ
આ સમગ્ર કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે નોઈડાના ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી નોટો ક્યાં તૈયાર કરવામાં આવતી હતી, આ ગેંગે અગાઉ કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે અને આ નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સામેલ છે.