'બ્રાહ્મણો તો ચોર છે': કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ આ શું બોલે છે? બ્રાહ્મણવિરોધી બયાનનો ગંભીર આક્ષેપ
પોઈન્ટરઃ ૧. પૂર્વ ધારાસભ્યનો કથિત ઓડિયો વાયરલ | ૨. સોદાગરની પોળના વિવાદ સંબંધે બ્રાહ્મણો વિશે બેફામ બોલ્યા હોવાનો આક્ષેપ
અમદાવાદના દરિયાપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ વિવાદમાં ફસાયા છે. વાઈરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં તેઓ બ્રાહ્મણો વિશે અણછાજતા વિધાનો કરતાં હોવાના આક્ષેપો થયા છે. આ ઓડિયો ક્લિપની ખરાઈ થઈ ન હોવાથી YourNewz તેની પુષ્ટિ કરતું નથી. કોંગ્રેસ કોર્પોરેટર ઈલિયાસખાન પઠાણના બજેટ સંદર્ભે કોઈ કાર્યકર્તા સાથે વાતચીત થતી હોવાનું ઓડિયો ક્લિપ પરથી સમજાય છે. સોદાગરની પોળમાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલ બજેટ યોગ્ય રીતે વપરાતું નથી એવી ફરિયાદના સંદર્ભે ગ્યાસુદ્દિન શેખ પોતાના જ પક્ષના એક કાર્યકરને 'ભાજપના દલાલ' તરીકે સંબોધી રહ્યા હોવાનું કહેવાય છે. એ જોતાં આ વીડિયો કોંગ્રેસમાં આંતરિક સ્તરે પણ જૂથવાદ ઊભો કરે તેવી ભીતિ છે. ઓડિયો ક્લિપમાં કોઈ એક વ્યક્તિ માટેની ભડાસ સમગ્ર સમાજના નામે કઢાઈ હોય તેમ બ્રાહ્મણો માટે અણછાજતા વિધાનો વારંવાર કરવામાં આવ્યા છે. આ વીડિયો અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવીને ગ્યાસુદ્દિન શેખની માફીની માંગણી કરવામાં આવી છે. YourNewz દ્વારા આ અંગે ગ્યાસુદ્દિન શેખનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.