ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી
ગાંધીનગરમાં મનપાના કર્મચારીને લાફા, હવે આરોપી સામે PASAની તલવાર | ચ-7 માર્ગ પર રખડતી ગાયોના ફોટોગ્રાફ લેતી વખતે હુમલાની ઘટના; વારંવાર સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર ઇસમ સામે PASA હેઠળ કાર્યવાહીની માગ
ગાંધીનગર...
19 ઓક્ટોબર: ગાંધીનગરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ચ-7 તરફના માર્ગ પર રખડતી ગાયોના ફોટોગ્રાફ લઈ રહેલા કર્મચારી સાથે એક ઇસમે અસભ્ય વર્તન કરી ગાળો બોલી હતી અને તેમને લાફા મારી હુમલો કર્યો હતો. એટલું જ નહીં, કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ઇસમ સામે PASA (પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટીઝ ઍક્ટ) સહિતની કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવા સક્ષમ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગત 17 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 5:50 વાગ્યે સેક્ટર-30 સ્થિત ઢોર ડબ્બા ખાતે ફરજ બજાવતા મહાનગરપાલિકાના એક કર્મચારી સેક્ટર-17 સ્થિત મુખ્ય કચેરી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચ-7 તરફના માર્ગ પર રખડતી ગાયો નજરે પડતાં તેઓ કામગીરીના ભાગરૂપે ફોટોગ્રાફ લઈ રહ્યા હતા. ત્યારે એક ઇસમે તેમની સાથે અસભ્ય વર્તન કરી ગાળો બોલી, લાફા મારી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અગાઉ પણ કર્મચારીઓને ધમકાવ્યાના આક્ષેપ
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, સંબંધિત ઇસમ અગાઉ પણ ઢોર પકડવાની કામગીરી સાથે સંકળાયેલી ટીમને ડરાવવા-ધમકાવવા, તેમનો પીછો કરવા અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ધ્યાન પર આવ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થયો છે.
PASA સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત
ઘટનાને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ઇસમ સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા સક્ષમ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. ઉપલબ્ધ હકીકતો અને પુરાવાના આધારે PASA સહિત લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. ગાંધીનગર મહાનગર પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે ‘રખડતા પશુ ત્રાસ નિવારણ પોલીસી-2023’ અંતર્ગત 24 કલાક કામગીરી ચાલુ રહેશે. જાહેર હિતમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો, ધમકી કે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાના કૃત્યો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે અને કર્મચારીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.