જાપાનની કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીનું આમંત્રણ
ટોક્યોમાં એક જ દિવસમાં 20 બેઠકો અને 2 રાઉન્ડટેબલ બેઠકો યોજાઈ; ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા
ગાંધીનગર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ગુજરાતના પ્રતિનિધિમંડળે જાપાનના ટોક્યોમાં સરકારી અગ્રણીઓ અને અગ્રણી કંપનીઓ સાથે બેઠકો યોજી હતી. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાયેલી આ બેઠકોમાં ગુજરાતમાં રોકાણ વધારવા અને ઔદ્યોગિક સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એક જ દિવસમાં પ્રતિનિધિમંડળે 20 બેઠકો અને 2 રાઉન્ડટેબલ સંવાદો યોજ્યા હતા. જાપાનના વિદેશ રાજ્ય મંત્રી નાકાસોને યાસુતાકા, ઇવાતે પ્રીફેક્ચરના ગવર્નર તાકુયા તાસો અને જાપાનના ઉદ્યોગ મંત્રાલય (METI)ના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અગ્રણી કંપનીઓ સાથે રોકાણ અંગે ચર્ચા
પ્રતિનિધિમંડળે સુઝુકી, JERA, ટોક્યો ઇલેક્ટ્રોન, સુમિતોમો કેમિકલ, ફુરુકાવા ઇલેક્ટ્રિક, મારુબેની અને લાઈવ નેશન સહિતની કંપનીઓ સાથે બેઠકો યોજી હતી.
સુઝુકી: ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિક વાહનો અને વેન્ડર પાર્કના વિકાસ અંગે ચર્ચા.
JERA: સ્વચ્છ ઊર્જા અને વીજ ઉત્પાદન ક્ષેત્રે સહયોગની તકો.
ટોક્યો ઇલેક્ટ્રોન: સેમિકન્ડક્ટર ઉત્પાદન અને સંભવિત રોકાણ અંગે ચર્ચા.
સુમિતોમો કેમિકલ: કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે સહયોગ.
ફુરુકાવા ઇલેક્ટ્રિક: ફાઇબર ઓપ્ટિક્સ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણની તકો.
મારુબેની અને મોરીરીન: વેપાર, સપ્લાય ચેઇન અને ટેક્સટાઇલ ક્ષેત્રે સહયોગ.
આ ઉપરાંત, હોન્ડા મોટર, JFE સ્ટીલ, MUFG બેંક, SMBC અને અન્ય અગ્રણી કંપનીઓ સાથે પણ બેઠકો યોજાઈ હતી.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ
બેઠકો દરમિયાન જાપાની કંપનીઓને ગુજરાતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગલક્ષી નીતિઓ અને રોકાણ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ જાપાની ઉદ્યોગગૃહોને ગુજરાતમાં રોકાણ કરવા, નવા ઉદ્યોગો સ્થાપવા અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છેકે હર્ષ સંઘવી ના આ પ્રયાસથી ગુજરાત અને જાપાન વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને ઔદ્યોગિક સહયોગ કેટલો વધુ મજબૂત અને મહત્વપૂર્ણ સાબિત થશે તે જોવું રહ્યું.