શંકરસિંહનો કોંગ્રેસ પ્રવેશ વિલંબમાં, હાઈકમાન્ડ કેમ મંજૂરી ટાળી રહ્યું છે?
પોઈન્ટર્સ :
૧. દશેરાના દિવસે વિજયપ્રવેશની શક્યતા ઓસર્યા પછી બાપુ સામે મોટી અડચણ
૨. અખિલેશ યાદવની મધ્યસ્થીથી કોંગ્રેસપ્રવેશ થવાનો હતો
દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા વધુ એક વખત પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જોડાવાની હવા તેજ બની હતી અને દશેરાના દિવસે વિજયમુહૂર્તે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય એવી શક્યતાઓ મૂકાતી હતી. પરંતુ જાણવા મળ્યા પ્રમાણે બાપુના કોંગ્રેસપ્રવેશ આડે અડચણની બિલાડી ઉતરી ગઈ છે અને હવે તેમનો કોંગ્રેસપ્રવેશ થશે કે કેમ તે અનિશ્ચિત બન્યું છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની મધ્યસ્થી વડે બાપુ કોંગ્રેસમાં જોડાય એવા ચક્રો ગતિમાન થયા હતા. ઉત્તરપ્રદેશમાં સપા અને કોંગ્રેસનું ચૂંટણી જોડાણ હાલ ખોરંભે ચડ્યું હોવાથી સપા અને કોંગ્રેસની સમજુતી મુજબ શંકરસિંહનો કોંગ્રેસપ્રવેશ પણ અધ્ધરતાલ લટકી ગયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બાપુએ નર્મદા જિલ્લામાં કોંગ્રેસની આદિવાસી રેલીમાં સક્રિયતા દર્શાવી હતી અને કોંગ્રેસના નેતાઓ સાથે મંચ પર બેઠા હતા. માથે મેલું ઉપાડવા સંબંધિત તેમનાં નિવેદને રાજકીય ખળભળાટ મચાવ્યો હતો.