અમદાવાદ સિવિલના તબીબોએ દૂરબીન પદ્ધતિથી મહિલાના પિત્તાશયમાંથી ૪૦૦ પથરી અને પરું કાઢ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોએ ૩૧ વર્ષીય મહિલા દર્દીની જટિલ 'લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી' સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી :
દર્દીને પેટમાં અસહ્ય દુખાવો, તાવ અને ઊલટીની ફરિયાદ સાથે દાખલ કરાયા હતા. તપાસ દરમિયાન પિત્તાશયમાં અતિશય સોજો, પરું અને તે આસપાસના આંતરડાં સાથે ગાઢ રીતે ચોંટેલું માલૂમ પડ્યું હતું.
ડો. પ્રશાંત મહેતા, ડો. વિક્રમ મહેતા અને એનેસ્થેસિયા ટીમ દ્વારા દૂરબીન પદ્ધતિથી આસપાસના અંગોને નુકસાન પહોંચાડ્યા વગર પિત્તાશય દૂર કરી તેમાંથી ૬૦-૭૦ મિલી પરું તથા ૪૦૦ જેટલી પથરીઓ બહાર કાઢવામાં આવી હતી. દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ પેટના દુખાવા કે પાચનની તકલીફોને અવગણ્યા વગર સમયસર સારવાર લેવા અપીલ કરી છે.