વિપક્ષ નેતા તુષાર ચૌધરીનો દાવો, 'પાણીની કટોકટી પહેલાં મત ઊઘરાવી લેવાનો ભાજપનો કારસો'
પોઈન્ટર્સ :
૧. સૌરાષ્ટ્રમાં જનસંપર્ક અભિયાન પર નીકળેલાં કોંગ્રેસ નેતાઓનો દાવો
૨. સૌરાષ્ટ્રમાં દુકાળ જેવી સ્થિતિ, સરકાર મૌન કેમ? કોંગ્રેસના પ્રહારો
પાણીની કટોકટી અંગે કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરેજવાલના નિવેદન પછી ભાજપે પ્રતિક્રિયા આપવાની ફરજ પડી, પરંતુ એ જ દિવસે રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં પાણીકાપને લીધે આશરે ૪૦ લાખ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં પણ ટેન્કર દોડાવવા પડ્યા હતા. દરમિયાન, સૌરાષ્ટ્રમાં જનસંપર્ક માટે નીકળેલી ટીમ કોંગ્રેસે મોરબીમાં હાઈ-વે પર ચાની કિટલી પર બેસીને સૌરાષ્ટ્રની રજવાડી ચાની ચુસ્કી લીધી હતી. પ્રવાસમાં પ્રભારી સુરજેવાલ સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ પણ જોડાયા છે.
વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ દાવો કર્યો હતો કે પાણીની ગંભીર કટોકટી તોળાઈ રહી છે. ઉનાળામાં પાણીની સમસ્યા અત્યંત વિકટ બનશે, પરંતુ એ પહેલાં જ ભાજપ સમયથી અગાઉ વિધાનસભાનો ભંગ કરીને જાન્યુઆરીમાં ચૂંટણી લાવવાની વેતરણમાં છે, જેથી પાણીના પ્રશ્ને લોકો હેરાન થાય એ પહેલાં જ મત ઉઘરાવી લેવાય.
સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ નહિવત્ત પડ્યો હોવાથી દુષ્કાળની સ્થિતિ છે પરંતુ સરકાર ખેડૂતોની ફરિયાદ કાને ધરવા તૈયાર નથી એવો પ્રહાર કરતાં તુષાર ચૌધરીએ ઉમેર્યું હતું કે ખેડૂતોની નારાજગી ચૂંટણીમાં ભાજપને યોગ્ય જવાબ આપશે.