લોકોના ટેક્સના પૈસે ધારાસભ્યોના નિવાસમાં જલસા? નવા સભ્યો માટે ડાઇનિંગ હોલમાં સોફા, વોશરૂમમાં ખાસ વ્યવસ્થા!
ગુજરાત વિધાનસભાની સભ્ય નિવાસ સમિતિની બેઠકમાં નવા સભ્યોના નિવાસ માટે ફર્નિચર, ડાઇનિંગ હોલના ઇન્ટિરિયર અને અન્ય સુવિધાઓ અંગે નિર્ણયો
ગાંધીનગર...
એક તરફ સામાન્ય નાગરિક મોંઘવારી, ટેક્સ અને જીવનજરૂરી ખર્ચનો બોજ સહન કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના ધારાસભ્યોના નિવાસમાં સુવિધાઓ વધારવા માટે આયોજન થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની સભ્ય નિવાસ સમિતિની બેઠકમાં નવા સભ્યોના નિવાસ માટે ડાઇનિંગ હોલમાં સોફા બેસવાની વ્યવસ્થા, વોશરૂમમાં ફર્નિચર તથા અન્ય સુવિધાઓ અંગે ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા છે.
23 ઓક્ટોબર, 2026ના રોજની બેઠકની નોંધ મુજબ, નવા સભ્યોના નિવાસ માટે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડાઇનિંગ હોલમાં સોફા અને સ્ટોરેજની વ્યવસ્થા:
નવા સભ્યોના નિવાસના ડાઇનિંગ હોલમાં પાર્ટિશન માટે રજૂ કરાયેલા બે નમૂનાઓમાંથી એક પસંદ કરવામાં આવ્યો હતો. ડાઇનિંગ હોલમાં એક સોફા બેડની વ્યવસ્થા કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. સાથે જ ડાઇનિંગ હોલની દીવાલ પર સ્લોગન લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જમીન ઓછી, એટલે ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યાનો પ્લાન:
બેઠકમાં જમીનની સાઇઝ નાની હોવાના કારણે ગેમ ઝોનની જગ્યાએ જિમ અને ગેમ ઝોન બનાવવા માટે વિચારણા કરી તેનું પ્લાનિંગ રજૂ કરવા જણાવાયું હતું.
શૂ રેકથી લઈને ગ્લાસ દરવાજા સુધીની સુવિધા:
શૂ રેક, સ્વીપબોર્ડ અને લેટેસ્ટ લુકના દરવાજા માટે રજૂ કરાયેલા વિકલ્પોમાંથી એક પસંદ કરવામાં આવ્યો હતો. કિચનની બારીમાં ફાયરપ્રૂફ પડદા તથા ડાર્ક ફિલ્મના નમૂનાઓ રજૂ કરાયા હતા. ગ્લાસ દરવાજા અને ઓફિસ રૂમમાં ક્લાસરૂમ પ્રકારની બેઠક વ્યવસ્થા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
સવાલ એ છે કે ખર્ચ કેટલો થશે?
આ સુવિધાઓ પાછળ કેટલો સરકારી ખર્ચ થશે, ફર્નિચર અને ઇન્ટિરિયર માટે કેટલું બજેટ ફાળવાયું છે તથા કામ માટે કયા નિયમો હેઠળ ખરીદી કરવામાં આવશે, તે અંગે બેઠકની ઉપલબ્ધ નોંધમાં નાણાકીય વિગતો આપવામાં આવી નથી.
ધારાસભ્યોને કાર્યક્ષમ નિવાસ અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવી વહીવટી જરૂરિયાત હોઈ શકે છે. પરંતુ જાહેર નાણાંમાંથી થનારા આવા ખર્ચમાં પારદર્શિતા, ખર્ચનું ઔચિત્ય અને નાણાકીય વિગતો જાહેર થવી એટલી જ જરૂરી છે.