'સમાજની દીકરી' પાયલ ગોટીની સગાઈમાં એન્ટી વેકરિયા ગ્રુપની હાજરી, દૂધાત ઉપરાંત પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત
પોઈન્ટર્સ :
૧. કૌશિક વેકરિયા સામે લેટરકાંડથી પાયલ ગોટી ચર્ચામાં આવી હતી
૨. પડદા પાછળ મોટા નેતાઓનો દોરીસંચાર હોવાના આક્ષેપો થયા હતા
ગત વર્ષે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર અમરેલીની લેટરકાંડની પીડિતા પાયલ ગોટીની હાલમાં અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામે સગાઈ યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી ચર્ચાસ્પદ બની હતી. કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડમાં પાયલ ગોટીની એક નોકરિયાત તરીકે નજીવી ભૂમિકા હોવા છતાં તેનાં પર પોલીસ દ્વારા થયેલ દમનના વિરોધમાં ભારે વિરોધ નોંધાયો હતો.
શું હતો લેટરકાંડ
અમરેલીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા જિલ્લામાં આપખુદીથી વર્તતા હોવાના આક્ષેપો સાથેનો એક પત્ર વાયરલ થયો હતો. પત્ર વાયરલ કરનાર જિલ્લા ભાજપના અસંતુષ્ટ નેતાઓ જ હતા. પાયલ ગોટી તેમની ઓફિસમાં નોકરી કરતી હતી અને નોકરીના ભાગ રૂપે તેણે બંધ કવરમાં લેટર કુરિયર કર્યો હોવાના વીડિયો સામે આવ્યા હતા. પાયલની આટલી જ ભૂમિકા હોવા છતાં તેને અડધી રાતે પોલીસે ઘરેથી ઊઠાવી હતી અને ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનના નામે તેને જાહેરમાં ફેરવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે દિવસો સુધી ઉગ્ર દેખાવો કર્યા હતા. સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં પણ આ મુદ્દો ઉછાળ્યો હતો.
ભાજપના દિગ્ગજોની નારાજગી
ઘટના બની એ વખતે ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાની પણ પડદા પાછળ ભૂમિકા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાતુ હતું. કૌશિક વેકરિયાના વધી રહેલાં કદને વેતરવા માટે આ પ્રયાસ થયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.
સગાઈ પ્રસંગે નેતાઓની હાજરી
વિઠ્ઠલપુરા ગામે યોજાયેલ પાયલ ગોટીની સગાઈમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી ઉપરાંત પૂર્વ સાંસદ નારણ કાછડિયા તેમજ ડો. ભરત કાનાબાર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતાપ દુધાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો પણ શેઅર કરી છે.