1 નવેમ્બરથી કરાર આધારિત ગ્રામ સેવકોની અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન, ‘સમાન કામ, સમાન વેતન’ની માગ સાથે સરકારને અલ્ટિમેટમ
ગાંધીનગર....
કરાર આધારિત ગ્રામ સેવકોની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. સોમવારે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકત્ર થયેલા કરાર આધારિત ગ્રામ સેવકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
ગુજરાત રાજ્ય કરાર આધારિત ગ્રામ સેવક મંડળ દ્વારા ‘સમાન કામ, સમાન વેતન’ના સિદ્ધાંત મુજબ પગાર ચૂકવવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. મંડળની મુખ્ય માંગ છે કે ફિક્સ પગારના ગ્રામ સેવકોને મળતા પગારના ધોરણે કરાર આધારિત ગ્રામ સેવકોને પણ માસિક પગાર ચૂકવવામાં આવે.
આ ઉપરાંત ગ્રેડ પેની વિસંગતતા દૂર કરી પગાર સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામ સેવકોની કામગીરી સરખી હોવા છતાં પગારમાં તફાવત હોવાનો દાવો મંડળે કર્યો છે.
ગુજરાત રાજ્ય કરાર આધારિત ગ્રામ સેવક મંડળના પ્રમુખ નરસિંહભાઈ હડિયલે જણાવ્યું છે કે જો સરકાર દ્વારા પડતર માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો 1 નવેમ્બરથી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરવામાં આવશે.

