ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોને વ્યાજમાં મળશે રાહત , 174.07 કરોડની સહાય મંજૂર
સહકારી બેંકોના સ્વભંડોળમાંથી અપાયેલા કૃષિ ધિરાણ પર 2% વ્યાજ સહાય મળશે | 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2025ના સમયગાળાના ધિરાણને લાભ મળશે
ગાંધીનગર.....
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોને કૃષિ ધિરાણ પર વ્યાજનો બોજ ઘટાડવા રાજ્ય સરકારે રૂપિયા 174.07 કરોડની સહાય મંજૂર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણય અંતર્ગત સહકારી બેંકોના સ્વભંડોળમાંથી ખેડૂતોને અપાયેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોને માત્ર 7 ટકાના રાહત દરે સમયસર પાક ધિરાણ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આ સહાયથી ખેડૂતોના ધિરાણ ખર્ચમાં રાહત મળશે.
છ મહિનાના ધિરાણ પર મળશે સહાય :
રાજ્યની સહકારી બેંકોએ 1 એપ્રિલ, 2025થી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન પોતાના સ્વભંડોળમાંથી ખેડૂતોને આપેલા કૃષિ ધિરાણને આ યોજનામાં આવરી લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર વર્ષ 2009-10થી આ યોજના અમલમાં મૂકી રહી છે, જેનો હેતુ ખેડૂતો પર વ્યાજનો આર્થિક બોજ ઘટાડવાનો છે.
10,900થી વધુ મંડળીઓનું સહકારી માળખું :
ગુજરાતમાં એક રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નું ત્રિ-સ્તરીય માળખું કાર્યરત છે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને ગ્રામ્ય સ્તરે ટૂંકા ગાળાનું પાક ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
રાજ્યના આશરે 33 ટકા નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે. સરકારના જણાવ્યા અનુસાર, વ્યાજ સહાયથી ખેડૂતોને આર્થિક રાહત મળવાની સાથે સહકારી ધિરાણ વ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળશે.