સરહદી ગામોમાં રાત વિતાવશે 10 IPS અધિકારીઓ, 20 ગામોમાં સુરક્ષાની સમીક્ષા
આવતીકાલ થી બે દિવસ કચ્છ, વાવ-થરાદ અને પાટણનાં સરહદી ગામોની મુલાકાત લેશે અધિકારીઓ, ગ્રામજનો સાથે કરશે સંવાદ
ગાંધીનગર....
ગુજરાત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ જાણવા ગુજરાત પોલીસના 10 વરિષ્ઠ IPS અધિકારીઓ સરહદી ગામોમાં રાત્રિરોકાણ કરશે. આગામી 26 અને 27 નવેમ્બરના રોજ કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 20 ગામોમાં અધિકારીઓની ટીમ પહોંચશે. ખાસ વાત એ છે કે અધિકારીઓ સ્થાનિક રહીશોના ઘરે રાત્રિ રોકાઈને સરહદી વિસ્તારની સમસ્યાઓ અને સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ યોજાનારી આ મુલાકાતમાં સરહદી સુરક્ષા વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવશે.
બે દિવસ દરમિયાન IPS અધિકારીઓ બોર્ડર પેટ્રોલિંગ, સુરક્ષા માળખું અને પોલીસ જવાનોની સજ્જતાની સમીક્ષા કરશે. ઉપરાંત સરહદ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે બેઠક યોજી તેમની મુશ્કેલીઓ જાણશે. સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારોમાં સુરક્ષાને લગતા પ્રશ્નો પણ સમજશે.
કયા જિલ્લામાં કયા અધિકારીઓની જવાબદારી?
આ અભિયાનમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, વાવ-થરાદ અને પાટણના 20 ગામોને આવરી લેવામાં આવ્યાં છે. 10 વરિષ્ઠ IPS અધિકારીઓને અલગ-અલગ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓની ટીમ ગામોમાં રોકાણ કરીને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરશે.
આ મુલાકાત દરમિયાન મળેલી માહિતી અને સ્થાનિક સ્તરે સામે આવતી સમસ્યાઓના આધારે સરહદી સુરક્ષા વધુ મજબૂત કરવા માટેના આગામી આયોજનમાં મદદ મળશે.