બળેજનો પૂંજ ઉત્સવઃ રબારી સમાજની 1000 વર્ષ જૂની પરંપરાની ગુલાલમય ઉજવણી
છેલ્લાં કેટલાંક દિવસોથી પોરબંદર જિલ્લાના વિવિધ માર્ગો પર ભારે મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. સૌના કપડાં ગુલાલના ગુલાબી રંગથી છવાયેલાં છે. હાથમાં લાકડીઓ છે. એક વ્યક્તિ મોરપીંછા લઈને મોખરે ચાલે છે અને સૌ જોશભેર પોકારી રહ્યા છે, 'જય બળેજની બારકા'! આ છે સોરઠિયા રબારી સમાજના ઐતિહાસિક પુંજ ઉત્સવનું દૃષ્ય, જે છેલ્લાં 1000 વર્ષથી ગુજરાતભરમાં આવેલ માતાજીના મઢમાં ઉજવવામાં આવે છે. પોરબંદર તાલુકામાં આવેલ બળેજ ગામે માતાજીનો મઢ એ સમગ્ર રબારી સમુદાયનું પરમ આસ્થાધામ મનાય છે અને પ્રતિ વર્ષ દશેરાના દિવસે ગામેગામથી રબારી સમાજ પરંપરાગત વસ્ત્રો પર ગુલાલનો અભિષેક કરીને અહીં પહોંચે છે.
બળેજ ખાતે માતાના મઢનો ઈતિહાસ એક હજાર વર્ષ જૂનો છે. આ પ્રસંગે માતાજીને દિવ્ય શ્રુંગાર કરવામાં આવે છે. પૂંજ ઉત્સવ નિમિત્તે ભૂવાજી જેઠા આતા ઉલવા પરિવાર દ્વારા રબારી સમાજને આમંત્રણ મોકલવામાં આવે છે. ગામેગામના સોરઠિયા રબારી સમાજના અઢીથી ત્રણ લાખ ભક્તો માતાજીના દર્શન કરવા પોતાનાં ગામેથી પગપાળા યાત્રા કરતો પહોંચે છે. મંદિરના પટાંગણમાં પાંચથી છ હજાર કિલો ગુલાલની છોળ ઊડે છે. ભક્તોને ઘી, ખીચડી, રોટલા અને શાકનો પ્રસાદ આપવામાં આવે છે. ગુલાલભર્યાં કપડાં પહેરીને લાકડી ઊછાળતાં રબારીઓનું દૃષ્ય પુરાતન પરંપરા અને લોકસંસ્કૃતિનું અનોખું દૃષ્ય બની રહે છે.