દિવાળી પૂર્વે 101 નવી ST બસોનું લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે નહીં, ST કર્મચારીઓના હસ્તે કરાવ્યું પૂજન અને લીલી ઝંડી
14 સ્લીપર અને 87 સુપર ડિલક્સ બસો સેવામાં જોડાઈ, મહિલા કંડક્ટરોને આગળ રાખી લોકાર્પણની શરૂઆત કરાવી; હર્ષ સંઘવીની સાદગીની પાટનગરમાં ચર્ચા
ગાંધીનગર....
દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત ST નિગમ દ્વારા 101 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી બસોમાં 14 સ્લીપર અને 87 સુપર ડિલક્સ બસોનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક અનોખી પહેલ જોવા મળી હતી.
સામાન્ય રીતે સરકારી કાર્યક્રમોમાં મંત્રી કે રાજકીય આગેવાનોના હસ્તે લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવતાં હોય છે, પરંતુ આ વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ જ અભિગમ અપનાવ્યો હતો. તેમણે નવી ST બસોના પૂજનથી લઈને લીલી ઝંડી આપી બસોને સેવામાં દોડાવવાની સમગ્ર કામગીરી ST નિગમના કર્મચારીઓના હસ્તે કરાવી હતી.
ખાસ વાત એ હતી કે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત મહિલા કંડક્ટર કર્મચારીઓને આગળ રાખીને કરવામાં આવી હતી. નવી બસોનું પૂજન પણ કર્મચારીઓના હસ્તે કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ST કર્મચારીઓએ જ બસોને લીલી ઝંડી આપી સેવામાં પ્રસ્થાન કરાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ પહેલને ST નિગમના કર્મચારીઓએ પણ આવકારી હતી. સામાન્ય રીતે મંત્રીઓ પોતે ઉદ્ઘાટન કરતા હોય તેવા કાર્યક્રમોથી અલગ, કર્મચારીઓને જ લોકાર્પણની તક આપીને હર્ષ સંઘવીએ કર્મચારીઓનું સન્માન કર્યું હોવાની લાગણી કાર્યક્રમમાં જોવા મળી હતી.
દિવાળી પહેલાં નવી બસો સેવામાં જોડાવાની સાથે જ કર્મચારીઓના હસ્તે લોકાર્પણ કરાવવાની આ પહેલ પાટનગરમાં ચર્ચાનો વિષય બની હતી.