રેલવેના અધિકારીઓ તો ગરીબ નીકળ્યા,ગરીબોના રેશનકાર્ડમાં નામથી ખળભળાટ
રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા દરે અનાજ પૂરું પાડવા માટે અમલમાં રહેલી રેશનકાર્ડ યોજનાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ રેલવે ડિવિઝનના એક-બે નહીં પરંતુ કુલ 774 કર્મચારીઓનાં નામ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળના રેશનકાર્ડધારકોની યાદી સાથે મળી આવતાં રેલવે તંત્રમાં ચર્ચા શરૂ થઈ છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ યાદીમાં સામાન્ય કર્મચારીઓ ઉપરાંત પાંચ ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સરકારી નોકરી અને પગાર મેળવતા કર્મચારીઓનાં નામ ગરીબો માટેની અનાજ યોજનાની યાદીમાં કેવી રીતે આવ્યા, તે સવાલ ઊભો થયો છે.
જોકે, રેલવે તંત્રની પ્રાથમિક સ્પષ્ટતા મુજબ ઘણા કર્મચારીઓએ સરકારી નોકરી મળતાં પહેલાં BPL રેશનકાર્ડ કઢાવ્યાં હતાં. નોકરી મળ્યા બાદ પણ રેશનકાર્ડમાં નામ યથાવત રહેતાં આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. હવે કર્મચારીઓને યોજનાનો ગેરલાયક લાભ ન લેવા અને પાત્રતા મુજબ નામ કમી કરાવવા સૂચના આપવામાં આવી છે.
દેશભરમાં 1.82 લાખ રેલવે કર્મચારીઓનાં નામ સામે આવ્યાં
આ મામલો માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત નથી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી દેશવ્યાપી ચકાસણીમાં કુલ 1,82,283 કાર્યરત રેલવે કર્મચારીઓનાં નામ NFSA રેશનકાર્ડધારકોની યાદી સાથે સંભવિત રીતે મેચ થયાં છે.
આ મામલે રેલવે બોર્ડે 11 નવેમ્બર, 2026ના રોજ તમામ ઝોનલ રેલવે અને ઉત્પાદન એકમોને સૂચનાઓ આપી હતી. જે કર્મચારીઓ નિયમો મુજબ યોજનાના લાભ માટે પાત્ર ન હોય તેમને રેશનકાર્ડ સરેન્ડર કરવા જણાવાયું છે.
સાથે જ કર્મચારીઓએ ખરેખર સબસિડીવાળું અનાજ મેળવ્યું છે કે નહીં તેની નમૂનારૂપ તપાસ કરવાનો આદેશ પણ અપાયો છે. જેમણે કોઈ લાભ લીધો નથી તેમની પાસેથી લેખિત ઘોષણાપત્ર મેળવવાની જોગવાઈ પણ સૂચવાઈ છે.
રાજકોટ ડિવિઝનના 774 કર્મચારીઓનાં નામ
રાજકોટ રેલવે ડિવિઝનના દસ્તાવેજમાં કુલ 774 કર્મચારીઓનાં નામ સામે આવ્યાં છે. આ યાદીમાં પાંચ ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ સામેલ હોવાનું સ્થાનિક અહેવાલમાં જણાવાયું છે.
આ અધિકારીઓમાં સિવિલ એન્જિનિયરિંગ, મેડિકલ, સિગ્નલ એન્ડ ટેલિકોમ તથા એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.
માત્ર સામાન્ય કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ હોદ્દા પર કામ કરતા અધિકારીઓનાં નામ પણ આવી યાદીમાં સામે આવતાં રેલવે વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે.