11 હજાર વિદ્યા સહાયક ભરતીમાં 774 જગ્યાઓ રિલીઝ કરવાની માગ, ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા
TET-1 પાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરાવનાર ઉમેદવારોને જિલ્લા ફાળવણી આપવા રજૂઆત; હાઇકોર્ટમાં સરકાર જવાબ રજૂ કરે તેવી માગ
ગાંધીનગર ....
ધોરણ 1થી 5ની 11, હજાર વિદ્યા સહાયક ભરતીમાં પેન્ડિંગ રાખવામાં આવેલી 774 જગ્યાઓ રિલીઝ કરવાની માગ સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં જિલ્લા ફાળવણીની પ્રક્રિયા અટકી હોવાથી ઉમેદવારોએ સરકાર સમક્ષ વહેલી તકે નિર્ણય લેવાની માગ કરી છે.
હાઇકોર્ટમાં પિટિશનના કારણે 774 જગ્યાઓ પેન્ડિંગ
ઉમેદવારોના જણાવ્યા અનુસાર, ભરતીમાં નિષ્ફળ ગયેલા કેટલાક ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતાં 774 જગ્યાઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. બીજી તરફ, આ જગ્યાઓ માટેના ઉમેદવારો મેરિટમાં સ્થાન ધરાવે છે અને તેમની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે.
નિમણૂકમાં વિલંબથી સિનિયોરિટી પર અસર થવાની ચિંતા
ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ભરતીની જરૂરી લાયકાત પૂર્ણ કર્યા બાદ પણ જિલ્લા પસંદગીથી વંચિત રહેવું પડે છે. જો કોર્ટ કેસ લાંબો ચાલે તો નિમણૂકમાં વિલંબ થવાની સાથે સિનિયોરિટી, નોકરીના સમયગાળા અને પગારને લગતા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેથી કોર્ટ કેસના કારણે લાયક ઉમેદવારોના હિતને નુકસાન ન થાય તે માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે.
સરકાર હાઇકોર્ટમાં જવાબ રજૂ કરી ભરતી પ્રક્રિયા આગળ વધારે તેવી માંગ
ઉમેદવારોએ સરકારને 774 જગ્યાઓના મુદ્દે હાઇકોર્ટમાં જરૂરી જવાબ રજૂ કરી જિલ્લા ફાળવણીની પ્રક્રિયા આગળ વધારવા રજૂઆત કરી છે. મેરિટમાં સ્થાન મેળવનાર લાયક ઉમેદવારોને અન્ય ઉમેદવારોની સાથે જિલ્લા પસંદગી અને નિમણૂકની પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળે તેવી તેમની માગ છે.
હવે આ રજૂઆત બાદ રાજ્ય સરકાર પેન્ડિંગ જગ્યાઓ અંગે શું નિર્ણય લે છે અને ભરતી પ્રક્રિયાને આગળ વધારવા કયા પગલાં ભરે છે તેના પર ઉમેદવારોની નજર છે.