સાપુતારામાં કાર ખીણમાં ખાબકી, પછી એવું થયું કે...
ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે ગુરુવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બારડોલીથી સાપુતારા ફરવા આવેલા એક પરિવારની કાર નંબર GJ-19-BE-0538 ટેબલ પોઇન્ટ પાસે ખીણમાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ પુખ્ત વયના વ્યક્તિઓ અને બે બાળકો સહિત કુલ પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો છે.
અકસ્માત કેવી રીતે થયો?
પરિવાર ટેબલ પોઇન્ટ તરફ જતા ચઢાણવાળા ઘાટ પર પહોંચ્યો હતો. કાર ચઢાણ ચઢી શકી ન હતી અને અચાનક રિવર્સમાં આવી ગઈ. ચાલકે કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તાત્કાલિક રેસ્ક્યૂઘટનાની જાણ થતાં જ સાપુતારાના સ્થાનિક લોકો અને 112 ઇમરજન્સી સેવા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકો અને બચાવ ટીમની સમયસૂચકતા તથા ભારે જહેમતના પરિણામે કારમાં ફસાયેલા તમામ પાંચ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સાપુતારા પોલીસ અને તેમની ટીમે પણ અથાગ મહેનત કરી પરિવારનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મુશ્કેલીના સમયે સ્થાનિક નાગરિકોની માનવતા, 112ની ટીમની સમયસરની મદદ અને પોલીસની સતર્કતા કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તમામ બચાવકર્મીઓની કામગીરી સરાહનીય બની રહી છે.