વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ભીલડી હિલોળે ચડ્યું, રૂ. 14,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
- ખેડૂતોનું હિત એ મારી સરકારની પ્રાથમિકતા છેઃ મોદી
- કેટલાંક પરિબળો દેશની પ્રગતિ જોઈ શકતાં નથીઃ કોંગ્રેસ પર પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના ભીલડી ગામે પહોંચ્યા હતા. તેમનાં સ્વાગતમાં ચોમેરથી જનસમુદાય ઉમટેલો નિહાળી ખુશ થયેલાં વડાપ્રધાને કહ્યું હતું, 'વાહ બનાસકાંઠા, તમે તો વટ પાડી દીધો..!' ભીલડી ખાતે તેમણે રૂ. 14,000 કરોડની કિંમતના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે લોકોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, 'મારી સરકારનું પહેલું ધ્યેય ખેડૂતો અને ગરીબોની સુખાકારી છે. અમે ખેતીને આધુનિકતા સાથે જોડી છે. સરકારે ખેડૂતોને લાખો સોલાર પમ્પ આપ્યા એથી ખેડૂતોને ડિઝલના રૂ. 80 કરોડની બચત થઈ છે.'
ભીલડીમાં અનોખી ખાટલાસભા યોજાઈ હોવાથી વડાપ્રધાને કહ્યું હતું કે, 'આટલી મોટી ખાટલાસભા તો દુનિયામાં ક્યાંય નહિ થઈ હોય.' મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં ડબલ એન્જિન સરકારના ફાયદા ગણાવતાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ લોકોમાં વિકાસનો વિશ્વાસ જગાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાને પોતાના વડવાઓનું વતન ગણાવતાં ઉમેર્યું હતું કે પાંચ દાયકા પહેલાં અહીં વીજળી ન હતી, રસ્તાઓ ન હતા, સલામતી કે રોજગારી પણ ન હતા એટલે અમારા વડવાઓએ અમદાવાદ, સુરત સ્થળાંતર કરવું પડ્યું. પરંતુ આજે એ દરેક સુવિધાઓ તમારા ગામ સુધી પહોંચી છે. આ પ્રસંગે તેમણે 'મોદી કહીં નહિ જાએગા'નો નારો આપતાં લોકોએ હર્ષભેર તેનો પ્રતિસાદ આપ્યો હતો.