આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ બોગસ તબીબો સામે કડક કાર્યવાહી: 15 દિવસમાં 38 ઝડપાયા, 35 સામે FIR
ગુજરાતભરમાં 298 ટીમો દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરાઈ; રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ તબીબો ઝડપાયા
ગાંધીનગર....
ગુજરાતમાં ડિગ્રી વગર ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી મેગા ડ્રાઈવ હાથ ધરી હતી. આ અંગે આરોગ્ય મંત્રીએ આપેલી સત્તાવાર માહિતી મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં 38 શંકાસ્પદ બોગસ તબીબો ઝડપાયા છે, જેમાંથી 35 સામે FIR નોંધવામાં આવી છે. તો બીજી તરફ આ અભિયાન માટે રાજ્યભરમાં 298 ટીમો બનાવવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમોએ વિવિધ જિલ્લાઓમાં તપાસ અને દરોડાની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ તબીબો ઝડપાયા
આરોગ્ય મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી જિલ્લાવાર વિગતો અનુસાર, રાજકોટમાં 17, સુરતમાં 9, ગીર સોમનાથમાં 3 અને સુરેન્દ્રનગરમાં 2 બોગસ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. સાથે સાથે બોગસ તબીબી પ્રેક્ટિસની બદીને ડામવા માટે જિલ્લાવાર વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ બાતમીના આધારે તપાસ અને દરોડાની કામગીરી કરી રહી છે.
ફરાર તબીબો પર પણ આરોગ્ય વિભાગ અને પોલીસની નજર
નાગરિકો ના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો પકડવાની આ મેગા ડ્રાઈવ દરમિયાન કેટલાક શંકાસ્પદ તબીબો દરોડાની કાર્યવાહી પહેલાં જ ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને જતા રહ્યા હતા. આવા ફરાર તત્વોને શોધી કાઢવા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ સર્વેલન્સ અને શોધખોળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
દિવાળી બાદ પણ બોગસ તબીબો સામે ઝુંબેશ ચાલુ રહેશે :રાજ્ય આરોગ્ય મંત્રી ની સ્પષ્ટ સૂચના
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળી અને તહેવારો બાદ પણ બોગસ તબીબો સામેની કાર્યવાહી વધુ સક્રિય રીતે ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ ડિગ્રી વગર ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ ચલાવવામાં આવતી હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને નાગરિકોને પણ અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં કોઈ વ્યક્તિ માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતી જણાય તો નજીકના PHC, CHC, પોલીસ સ્ટેશન અથવા SOGને જાણ કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.