ગામોના વિકાસ માટે ગુજરાતની મોટી પહેલ: 170 અધિકારીઓ બાદ 419ને અપાશે ત્રણ દિવસની તાલીમ
- સ્પીપા માં અધિકારીઓની તાલીમ શરૂ
ગાંધીનગર...
ગામોના વિકાસ માટે આયોજન અને અમલીકરણ વધુ અસરકારક બને તે માટે ગુજરાતમાં અધિકારીઓની તાલીમનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. 17 નવેમ્બરે 170 અધિકારીઓની એક દિવસીય વર્કશોપ યોજાઈ હતી, જ્યારે 19 નવેમ્બરથી 419 અધિકારીઓને 10 બેચમાં ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગની સૂચના મુજબ રાજ્યની તમામ ગ્રામ પંચાયતો દ્વારા તૈયાર કરવાના વિકસિત ગ્રામ પંચાયત પ્લાન અંગે સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
વર્કશોપમાં રાજ્ય સ્તરના અધિકારીઓ ઉપરાંત રાજ્યના 34 જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકો તથા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સહિત કુલ 170 અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ દરમિયાન ગામની જરૂરિયાતોને આધારે વિકાસનું આયોજન કેવી રીતે કરવું, ગ્રામજનોની ભાગીદારી કેવી રીતે વધારવી, વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કેવી રીતે કરવું અને વિકાસના કામોનું યોગ્ય આયોજન તથા અમલીકરણ કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓની સમજણ ચકાસવા પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ પણ લેવામાં આવ્યા હતા.
19 નવેમ્બરથી 419 અધિકારીઓ માટે તાલીમ શરૂ થશે. આ માટે કુલ 10 બેચ બનાવવામાં આવી છે અને દરેક બેચમાં આશરે 40 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક બેચને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે.
આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતોને સ્થાનિક જરૂરિયાતો મુજબ વિકાસનું આયોજન કરવામાં વધુ સક્ષમ બનાવવાનો છે. ગામના વિકાસના કામોમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને યોગ્ય આયોજન દ્વારા ટકાઉ વિકાસને વેગ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.