સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિસ્ટા ડોમ બસ સેવા શરૂ, રૂ. 2.19 કરોડની બસમાં મળશે પ્રીમિયમ સુવિધાઓ
ગાંધીનગર......
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવીન પહેલના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બસનું લોકાર્પણ કરી તેમાં સફરનો આનંદ માણ્યો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે પાંચ વિસ્ટા ડોમ બસ તૈયાર કરવામાં આવી છે. એક બસની કિંમત રૂ. 2.19 કરોડ છે. હાલ બે બસનું લોકાર્પણ કરાયું છે, જ્યારે બાકીની ત્રણ બસ આગામી બે મહિનામાં શરૂ કરવાનું આયોજન છે.
પારદર્શક રૂફ ડોમ અને 23 પ્રવાસીઓની બેઠક
બસમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ ડિઝાઇન આપવામાં આવી છે. જેથી પ્રવાસીઓ એસી કેબિનમાં બેસીને ખુલ્લા આકાશ અને કુદરતી નજારાઓનો આનંદ માણી શકશે. બસમાં 23 પ્રવાસીઓ માટે રિવોલ્વિંગ અને એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સની વ્યવસ્થા છે.
કોફી મશીનથી મિની ફ્રિજ સુધીની સુવિધા
પ્રવાસીઓ માટે LED સ્માર્ટ ટીવી, CCTV કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સુરક્ષા માટે ફાયર ડિટેક્શન સિસ્ટમ અને ઇમરજન્સી હેમર પણ આપવામાં આવ્યાં છે.
અન્ય પ્રવાસન સ્થળો પર પણ શરૂ થશે સેવા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ તબક્કાવાર આ બસ સેવા શરૂ કરાશે. બસની બોડી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, ગીર, અડાલજની વાવ અને ધોરડો રણ સહિતનાં પ્રવાસન સ્થળોનાં આકર્ષક ગ્રાફિક્સ દર્શાવાયાં છે.
પ્રવાસીઓ GSRTCની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી આ પ્રીમિયમ બસ સેવાનો લાભ લઈ શકશે.