ગાંધીનગર મનપાના ઢોર પકડતા કર્મચારીને રૂપિયા 22 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
ઢોર પકડવા અને કેસ ન કરવા દિવાળીના હપ્તા પેટે લાંચની માગણી કર્યાનો આક્ષેપ, સેક્ટર-28ના ગાર્ડન પાછળ ACBનું છટકું સફળ
ગાંધીનગર....
ગાંધીનગર મહાનગર પાલિકા ની CNCD શાખામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરને 22 હજારની લાંચ લેતા ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યો છે. ACB ની ફેલાવેલી ઝાળમાં કર્મચારી સપડાયો હતો. આ કિસ્સામાં સેક્ટર-28ના ગાર્ડન પાછળના રોડ પર ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપી રંગેહાથ ઝડપાયો હતો. ACBએ લાંચની 22 હજાર ની રકમ પણ રિકવર કરી છે.
ACB દ્વારા મળતી વિગતો મુજબ, આરોપી જયદીપસિંહ રામસિંહ રાજપૂત (ઉંમર 22 વર્ષ) ગાંધીનગર મહાનગરપાલિકાની CNCD શાખાની ઢોર પકડતી ટીમમાં લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ-3 તરીકે આઉટસોર્સિંગથી ફરજ બજાવે છે. પશુપાલનનો વ્યવસાય કરતા એક જાગૃત નાગરિકે આરોપી વિરુદ્ધ લાંચની માગણી અંગે ફરિયાદ કરી હતી.
ફરિયાદ મુજબ, ફરિયાદીનાં ઢોર પકડવામાં ન આવે અને તેમની સામે કેસ કરવામાં ન આવે તે માટે આરોપીએ પ્રથમ 40 હજાર ની લાંચ માગી હતી. દિવાળીના તહેવારના હપ્તા પેટે કરવામાં આવેલી આ માગણી બાદ રકઝકના અંતે 22 હજાર આપવાનું નક્કી થયું હતું.
તો બીજી તરફ ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ સેક્ટર-28ના ગાર્ડન પાછળના રોડ પર છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ 22 હજાર ની લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારે જ ACBની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સોલંકીની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે મહાનગરપાલિકાની ઢોર પકડતી ટીમમાં ફરજ બજાવતા કર્મચારી સામે લાંચના આક્ષેપને લઈને ચર્ચા જાગી છે.