ગાંધીનગરના કેસરિયા ગરબામાં હજારો દીવડાઓથી ‘નમો-25 વર્ષ સુશાસનનાં’ની ભવ્ય આકૃતિ
આઠમા નોરતે દિવ્ય મહાઆરતીનું આયોજન સ્ક્રીન પર આકૃતિનું દૃશ્ય નિહાળીને ઉપસ્થિત જનમેદનીએ ઉત્સાહભેર વધાવ્યું
ગાંધીનગર......
નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલની પ્રેરણાથી સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેસરિયા ગરબા–નવરાત 2026’માં આઠમા નોરતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો દીવડાઓની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં સેવા અને સુશાસનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘ નમો-25 વર્ષ સુશાસનનાં’ ની અલૌકિક આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
હજારો દીવડાઓથી તૈયાર કરાયેલી આકૃતિનું દૃશ્ય સ્ક્રીન પર પ્રદર્શિત થતાં જ કેસરિયા ગરબાના પ્રાંગણમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ ઉત્સાહભેર તેને વધાવી લીધું હતું. દીવડાઓની ઝગમગતી જ્યોતથી સમગ્ર પ્રાંગણ ઝળહળી ઊઠ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈભક્તોએ મા અંબાની મહાઆરતીમાં શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. અને મા અંબાની આરતીની ભાવસભર પ્રસ્તુતિમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી, જેના પગલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ આયોજન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની 25 વર્ષની જાહેરસેવા અને સુશાસનની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.