દિવાળી પહેલાં ગુજરાતના કર્મચારીઓને 3% મોંઘવારી ભથ્થું આપો: કર્મચારી મહામંડળની સરકારને રજૂઆત
કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ રાજ્યના કર્મચારીઓને પણ લાભ આપવા માગ | જુલાઈ 2026થી લાગુ પડતા વધારાની જાહેરાત કરી બાકી એરિયર્સ ચૂકવવા રજૂઆત
ગાંધીનગર....
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળી પહેલાં 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી રાજ્યના કર્મચારીઓને પણ આ લાભ વહેલી તકે આપવા માગ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે નાણા મંત્રી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે જુલાઈ 2026થી લાગુ પડતા મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત દિવાળી પહેલાં કરવામાં આવે. આ સાથે નિયમોનુસાર બાકી સમયગાળાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
મહામંડળના જણાવ્યા મુજબ, દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થાય તો કર્મચારીઓ અને તેમના પરિવારોને તહેવારના સમયે આર્થિક રાહત મળી શકે છે. વધારાની રકમથી કર્મચારીઓની ખરીદશક્તિ વધવાની સાથે બજારમાં ખરીદી અને વેપાર-ધંધાને પણ વેગ મળી શકે છે.
આથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને કર્મચારીઓના હિતમાં દિવાળી પહેલાં 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરી નિયમોનુસાર બાકી એરિયર્સની ચુકવણી કરવા હકારાત્મક નિર્ણય લેવાની અપીલ કરી છે.