ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ: 3% મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી
9 નવેમ્બરે પણ જાહેર રજા ની માંગ ને મળી મંજૂરી | દિવાળી પહેલાં કર્મચારીઓની બે મોટી માંગણીઓનો સ્વીકાર, 9 નવેમ્બરની રજાના બદલામાં 28 નવેમ્બર, ચોથા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે
ગાંધીનગર.....
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવાળી પર્વ દરમિયાન પડતર દિવસે રજા જાહેર કરવાની કર્મચારી સંગઠનોની રજૂઆતને પણ સરકારે લીલી ઝંડી આપી છે. સરકારના આ નિર્ણયથી કર્મચારી આલમમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ગત 28 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરીને દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. કર્મચારીઓની આ માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે.
બીજી તરફ, દિવાળીના તહેવારો દરમિયાન સરકારી કર્મચારીઓને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા પૂરતો સમય મળી રહે તે હેતુથી 9 નવેમ્બરના રોજ પણ જાહેર રજા આપવાની માંગ કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળની આ રજૂઆતનો પણ સરકારે સ્વીકાર કર્યો છે.
9 નવેમ્બરે રજા, 28 નવેમ્બરે કચેરીઓ ચાલુ રહેશે
સરકારના નિર્ણય અનુસાર, 8 નવેમ્બરે દિવાળી, 9 નવેમ્બરે વધારાની રજા, 10 નવેમ્બરે નૂતન વર્ષ અને 11 નવેમ્બરે ભાઈબીજની જાહેર રજા રહેશે. આમ, સરકારી કર્મચારીઓને દિવાળી પર્વ દરમિયાન સળંગ રજાનો લાભ મળશે.
જોકે, 9 નવેમ્બરની રજાના બદલામાં 28 નવેમ્બર, ચોથા શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય રાજ્ય સરકારની કચેરીઓ ઉપરાંત પંચાયતો, બોર્ડ અને નિગમોને પણ લાગુ પડશે.
દિવાળી પર્વ દરમિયાન સરકારી કર્મચારીઓ માટે રજાનું સમયપત્રક
- 8 નવેમ્બર| રવિવાર| દિવાળી – જાહેર રજા
- 9 નવેમ્બર| સોમવાર| વધારાની જાહેર રજા
- 10 નવેમ્બર| મંગળવાર| નૂતન વર્ષ – જાહેર રજા
- 11 નવેમ્બર| બુધવાર| ભાઈબીજ – જાહેર રજા
- 28 નવેમ્બર| શનિવાર| 9 નવેમ્બરની રજાના બદલામાં સરકારી કચેરીઓ ચાલુ રહેશે
ખાસ નોંધ.....
9 નવેમ્બર, સોમવારની વધારાની રજાના બદલામાં 28 નવેમ્બર, ચોથા શનિવારે સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ નિર્ણય સરકારી કચેરીઓ ઉપરાંત પંચાયતો, બોર્ડ અને કોર્પોરેશનને પણ લાગુ પડશે.
આમ, દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો અને સળંગ રજાની મંજૂરી મળતાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આ દિવાળી બેવડી ખુશીની ભેટ બની છે.