વનકર્મીઓની હડતાળનાં એંધાણ: 4, હજાર થી વધુ વન કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે તો ગીરના સિંહો નોધારા થઈ જશે. ?
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરના વનરક્ષક-વનપાલ કર્મચારીઓનાં ધરણાં | ગ્રેડ પે, જોખમ ભથ્થું અને બદલી સહિતના પડતર પ્રશ્નો ઉકેલવાની માગ | માગણીઓ નહીં સંતોષાય ત્યાંસુધી અનિશ્ચિત હડતાળની ચીમકી
ગાંધીનગર.......
વન વિભાગના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓના નિરાકરણ માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં શરૂ કરતાં રાજ્યમાં વન વિભાગની કામગીરી પર અસર થવાની શક્યતા ઊભી થઈ છે. રાજ્યભરમાંથી આવેલા આશરે 4,100 કર્મચારીઓએ માગણીઓનો ઉકેલ નહીં આવે તો ફરજથી અળગા રહેવાની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. ખાસ કરીને ગીરના સિંહો સહિત વન્યજીવોની સુરક્ષા અને વન સંરક્ષણની કામગીરી પર તેની શું અસર પડશે તે અંગે સવાલો ઊભા થયા છે.
કર્મચારી મંડળ દ્વારા આંદોલન માટે મંજૂરી માગવામાં આવી છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે. માગણીઓ નહીં સંતોષાય તો પેનડાઉન, માસ સીએલ અને ત્યારબાદ અનિશ્ચિત મુદતની હડતાળ જેવા કાર્યક્રમો યોજવાની ચીમકી આપવામાં આવી છે.
શું છે વનકર્મીઓની મુખ્ય માગણીઓ?
વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માગ કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે નીચેની માગણીઓનો સમાવેશ થાય છે.
- ગ્રેડ પેની વિસંગતતા દૂર કરો: ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરની ગ્રેડ પે સંબંધિત વિસંગતતાઓ દૂર કરવામાં આવે.
- જોખમ ભથ્થું આપો: જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા વનકર્મીઓને જોખમ ભથ્થું આપવામાં આવે.
- રજા પગારની ગણતરીમાં ફેરફાર: રજા પગારની ગણતરી DA આધારિત કરવામાં આવે.
- જિલ્લા ફેરબદલીના પ્રશ્નો ઉકેલો: લાંબા સમયથી પડતર જિલ્લા ફેરબદલીના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે.
- સીધી ભરતી બંધ કરી પ્રમોશન આપો: વનપાલની સીધી ભરતી બંધ કરીને અનુભવી કર્મચારીઓને પ્રમોશનનો લાભ આપવાની માગ કરવામાં આવી છે.
- બંધ થયેલી જગ્યાઓ ફરી શરૂ કરો: ફોરેસ્ટર અને RFOની બંધ થયેલી જગ્યાઓ ફરી શરૂ કરવામાં આવે.
- અન્ય પડતર લાભો: સિક્યોરિટી એલાઉન્સ સહિતના બાકી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.
હડતાળ થાય તો વન વિભાગની કામગીરી પર અસરની શક્યતા
વનરક્ષકો અને વનપાલો વન્યજીવોના સંરક્ષણ, જંગલ વિસ્તારમાં દેખરેખ અને વન વિભાગની વિવિધ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો મોટી સંખ્યામાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરે તો વન વિભાગની કામગીરી પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને ગીર વિસ્તારમાં સિંહો સહિતના વન્યજીવોના સંરક્ષણ અને દેખરેખની કામગીરી અંગે પણ ચિંતા ઊભી થઈ શકે છે. એટલુંજ નહીં વનકર્મીઓ ની હડતાલ નહીં સમેટાય તો ગીર ના સિંહો નોધારા થઈ જશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
જોકે હાલ કર્મચારીઓની મુખ્ય માગણીઓનો ઉકેલ લાવવાની રજૂઆત સાથે આંદોલન આગળ વધારવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે હવે સરકાર અને વન વિભાગ દ્વારા આ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.