ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર: ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500 સહાય, પશુપાલકોને ₹2માં ઘાસચારો મળશે
1નવેમ્બરથી નિર્ણયનો અમલઃ પશુ કેમ્પમાં પશુદીઠ રોજના ₹80ની સહાય, ગ્રામીણ પરિવારોને 150 માનવદિન રોજગારી અપાશે; રાજ્ય સરકાર પાસે 3 કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની પત્રકાર પરિષદમાં કરી સત્તાવાર જાહેરાત
ગાંધીનગર..
ગુજરાતમાં ઓછા અને વિલંબિત વરસાદને પગલે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરતાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ રાહતલક્ષી પગલાંની વિગતો આપી હતી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયોનો અમલ 1 નવેમ્બર, 2026થી કરવામાં આવશે.
ખેડૂતોને હેક્ટરદીઠ રૂપિયા 8,500ની સહાય
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા ચાર જિલ્લાના અસરગ્રસ્ત પાકો માટે રાજ્ય સરકાર SDRFના ધોરણો મુજબ સહાય ચૂકવશે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય આપવામાં આવશે, જે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રહેશે. ઓછા વરસાદથી પાકને થયેલા નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક રાહત આપવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 અનુસાર જરૂરી પ્રક્રિયા અને ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પશુપાલકો માટે 2 રૂપિયે પ્રતિ કિલોના ભાવે ઘાસચારો
વરસાદની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે દુષ્કાળ જાહેર થાય તે પહેલાં જ ઘાસચારાનું આગોતરું આયોજન કર્યું હતું. જૂન-જુલાઈ, 2026થી સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારા વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસનું પ્રતિ કિલો ₹2ના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં સરકાર પાસે 3 કરોડ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
પશુદીઠ રોજના 80 રૂપિયા ની ચૂકવાશે સહાય
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પશુધનની જાળવણી માટે પશુ કેમ્પમાં રાખવામાં આવેલા પશુઓને પ્રતિ પશુ રોજના ₹80ની સહાય બે મહિના સુધી SDRFમાંથી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ પશુપાલકોને સહાય ચાલુ રાખવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ પગલાંનો હેતુ ઘાસચારાની અછત વચ્ચે પશુધનની જાળવણી અને પશુપાલકોને આર્થિક મુશ્કેલીમાંથી રાહત આપવાનો છે.
ગ્રામીણ લોકોને 150 માનવદિન રોજગારી
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ગ્રામીણ પરિવારોને રોજગારી મળી રહે તે માટે વી.બી.-જી. રામ જી. યોજના હેઠળ 150 માનવદિન રોજગારી આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઓછા વરસાદને કારણે ખેતી અને ગ્રામ્ય રોજગારી પર પડતી અસરને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ, ચાર જિલ્લામાં સ્થિતિ નબળી
મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે રાજ્યમાં સરેરાશ આશરે 89 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લાઓના ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા રાજ્ય સરકારે સહાયલક્ષી નિર્ણયો કર્યા છે.
206 ડેમોમાં 66 ટકા જળસંગ્રહ
રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય 206 ડેમોમાં 66 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ખરીફ સિઝનમાં માંગના આધારે 44 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું છે.
આગામી રવિ સિઝન દરમિયાન રાજ્યના 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડેમોમાં ઉપલબ્ધ પાણીના આધારે એકથી ચાર પિયત આપવાનું આયોજન છે.
સિંચાઈની વ્યવસ્થાની સાથે પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપીને 30 જૂન, 2027 સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.
ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી સિંચાઈનું આયોજન
આગામી રવિ સિઝન માટે ઉત્તર ગુજરાતમાં ધરોઈ અને દાંતીવાડા સહિત 11 ડેમો, મધ્ય ગુજરાતમાં કરજણ અને પાનમ સહિત 12 ડેમો તથા દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ, કાકરાપાર અને દમણગંગા સહિત 9 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષેત્રુંજી, બ્રાહ્મણી અને મચ્છુ સહિત 39 ડેમો તથા કચ્છના પાંચ ડેમોમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડેમોમાં ઉપલબ્ધ જળજથ્થાને આધારે ખેડૂતોને એકથી ચાર પિયત મળી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાથમિકતા આપે છે. મુશ્કેલીના સમયમાં ખેડૂતો અને પશુપાલકોને જરૂરી સહાય પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે.