ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કેમ ફરી ગયા? હવે કહી દીધું કે કારની સ્પીડ તો...
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન અકસ્માત સમયે તેની જેગુઆર કારમાં સવાર પાંચેય મિત્રો પોતાની અગાઉની જુબાનીથી ફરી ગયા છે. ખાસ કરીને કારની સ્પીડના મુદ્દે પાંચેય સાક્ષીઓએ કોર્ટમાં અલગ નિવેદન આપતાં કેસની કાર્યવાહી ચર્ચામાં આવી છે.
તથ્ય પટેલના પાંચ મિત્રો કોર્ટમાં નિવેદનથી ફરી ગયા
અકસ્મત સમયે તથ્ય પટેલની જેગુઆર કારમાં માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલ સવાર હતાં.
અગાઉ તપાસ દરમિયાન આ પાંચેય મિત્રોનાં નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ CrPCની કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યાં હતાં. તે સમયે તેમણે જણાવ્યું હતું કે તથ્ય પટેલ પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેમણે તેને ગાડી ધીમી કરવા માટે ટોક્યો હોવા છતાં તેણે ગતિ ઓછી કરી નહોતી.
પરંતુ હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પાંચેય સાક્ષીઓએ કારની ઝડપ અંગે પોતાને જાણ ન હોવાનું જણાવ્યું છે. અગાઉના નિવેદનથી વિપરીત જુબાની આપતાં તેઓ હોસ્ટાઇલ સાક્ષી બન્યા છે.
140 કિમી પ્રતિ કલાકની સ્પીડના પુરાવા ચર્ચામાં
આ કેસમાં કારની ઝડપ સૌથી મહત્ત્વના મુદ્દાઓમાંની એક છે. તપાસ દરમિયાન એક બાઈકચાલકના કેમેરામાં કેદ થયેલા અકસ્માતના ફૂટેજનું ફ્રેમ-ટુ-ફ્રેમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત FSL, RTO અને જેગુઆર કંપનીના ટેકનિકલ ડેટા સહિત કારની બ્રેકિંગ સિસ્ટમની તપાસ પણ કરવામાં આવી હતી.
ઉપલબ્ધ કોર્ટના અગાઉના ચુકાદાના દસ્તાવેજોમાં અકસ્માત સમયે કારની ઝડપ આશરે 141.27 કિમી પ્રતિ કલાક હોવાનું પ્રોસિક્યુશનનું તારણ નોંધાયેલું છે. આથી પાંચ સાક્ષીઓની જુબાની બદલાઈ હોવા છતાં ટેકનિકલ પુરાવાઓ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
અત્યાર સુધી 36 સાક્ષીઓની તપાસ
હાલ ચાલી રહેલી ટ્રાયલમાં અત્યાર સુધી આશરે 36 સાક્ષીઓની તપાસ થઈ હોવાની માહિતી સામે આવી છે. કેસમાં કુલ આશરે 190 સાક્ષીઓની યાદી હોવાનો અહેવાલ છે.
આગામી કાર્યવાહી દરમિયાન RTO ઇન્સ્પેક્ટર, FSL અધિકારીઓ, જેગુઆર કંપનીના ટેકનિકલ નિષ્ણાતો અને અન્ય પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની જુબાની મહત્ત્વપૂર્ણ બની શકે છે.
શું છે હોસ્ટાઇલ સાક્ષીનો અર્થ?
કોઈ સાક્ષી અગાઉ તપાસ દરમિયાન આપેલા નિવેદનથી વિપરીત કોર્ટમાં જુબાની આપે ત્યારે સરકારી પક્ષ તેને હોસ્ટાઇલ જાહેર કરવાની મંજૂરી માગી શકે છે. ત્યારબાદ સરકારી વકીલ તે સાક્ષીની ઉલટતપાસ કરી શકે છે.
માત્ર સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયો હોવાથી આખો કેસ આપોઆપ નબળો પડતો નથી. કોર્ટ અન્ય વિશ્વસનીય મૌખિક, દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે નિર્ણય લે છે.
શું હતી 20 જુલાઈ, 2023ની એ ભયાનક ઘટના?
19 જુલાઈ 2023ની મધરાત બાદ એટલે કે 20 જુલાઈની વહેલી સવારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. તથ્ય પટેલ દ્વારા ચલાવવામાં આવતી જેગુઆર કારે અકસ્માતના સ્થળે એકઠા થયેલા લોકો અને પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા.
આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં અને 12 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું.
અકસ્મત બાદ તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ હતી. મે 2026માં સુપ્રીમ કોર્ટે તેને નિયમિત જામીન આપ્યા હતા. જોકે, જામીન મળવાનો અર્થ કેસમાંથી નિર્દોષ છૂટવું નથી. તેની સામેનો ટ્રાયલ હજુ ચાલુ છે.
હવે કોર્ટના નિર્ણય પર સૌની નજર
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પાંચ સાક્ષીઓના બદલાયેલા નિવેદનથી કોર્ટની કાર્યવાહી વધુ ચર્ચામાં આવી છે. બીજી તરફ, વીડિયો ફૂટેજ અને વૈજ્ઞાનિક પુરાવાઓ પર સરકારી પક્ષનો આધાર રહેશે.
હવે જોવાનું એ રહેશે કે આગામી સાક્ષીઓની જુબાની અને ટેકનિકલ પુરાવાઓના આધારે કોર્ટમાં આ કેસ કઈ દિશામાં આગળ વધે છે.