અમરેલી-સાવરકુંડલા હાઈવે પર એસટી બસ કાળ બનતા નવા વર્ષની શરૂઆતમાં જ 5નાં મોત
અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારના ચારેય સભ્યોનાં કરુણ મોત થયાં છે. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળાનું પણ મોત થયું છે. આમ, આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
શેત્રુંજી નદીના પુલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી અનુસાર, અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક મંદિર પાસે એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલાથી અમરેલી તરફ જઈ રહેલી એસટી બસની સામેથી આવી રહેલી બાઈક સાથે ટક્કર થઈ હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે એસટી બસ રસ્તા પરથી નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.
આ અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારના ચારેય સભ્યોનાં કરુણ મોત થયાં છે. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળાનું પણ મોત થયું છે. આમ, આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામનો સોલંકી પરિવાર બાઈક પર સાવરકુંડલા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં શેત્રુંજી નદીના પુલ પાસે એસટી બસ સાથે અકસ્માત નડ્યો હતો.
આ દુર્ઘટનામાં પરિવારના પિતા ગોગન બટુકભાઈ સોલંકી, તેમનો ચાર વર્ષનો પુત્ર નીતિન અને માત્ર છ મહિનાની પુત્રી ધૃતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જ્યારે પરિવારની માતાને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાનું મળેલી વિગતોમાં જણાવાયું છે.
એક જ પરિવારના ચારેય સભ્યોનાં મોત થતાં દેવભૂમિ દેવળિયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
એસટી બસના ચાલકનું પણ મોત
આ અકસ્માતમાં એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળાનું પણ મોત થયું છે. બસ ખાડામાં ઉતરી જતાં બસમાં સવાર મુસાફરોમાં પણ અફરાતફરી મચી હતી. અકસ્માતમાં અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મંત્રી, સાંસદ અને ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા
આ ગંભીર અકસ્માતની જાણ થતાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો પહોંચ્યા હતા.
તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
અમરેલી તાલુકા પોલીસની તપાસ શરૂ
અકસ્મતાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે.
હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો, બસ અને બાઈક વચ્ચે ટક્કર થવાનું ચોક્કસ કારણ શું હતું અને અન્ય વાહનની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
અમરેલી-સાવરકુંડલા હાઈવે પર બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક જ પરિવારના ચાર સભ્યો અને એસટી બસના ચાલક સહિત પાંચ લોકોનાં મોતથી અનેક પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.