મામલતદારની 673 જગ્યાઓનું કેડર નક્કી, નવી જગ્યા માટે મહેસૂલ વિભાગની મંજૂરી જરૂરી
ગુજરાતમાં મામલતદાર, વર્ગ-2 સંવર્ગની જગ્યાઓનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગે 28 ઓક્ટોબર, 2026ના રોજ ઠરાવ બહાર પાડીને કુલ 673 જગ્યાઓનું સંખ્યાબળ નિર્ધારિત કર્યું છે. હવે મામલતદાર સંવર્ગમાં નવી જગ્યા ઊભી કરવા કે કોઈ જગ્યા રદ કરવા અંગે સંબંધિત વિભાગોએ મહેસૂલ વિભાગને જાણ કરવાની રહેશે.
ત્રણ કેટેગરીમાં જગ્યાઓનું વિભાજન
સરકારના ઠરાવ મુજબ મામલતદાર સંવર્ગની 673 જગ્યાઓમાં 540 મૂળ જગ્યાઓ, 118 કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને 15 પ્રતિનિયુક્તિની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ મહેસૂલ વિભાગ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં ફાળવવામાં આવી છે.
ચૂંટણી વિભાગમાં 36 અને શહેરી વિકાસ સત્તામંડળોમાં 24 જગ્યાઓ
ઠરાવમાં અન્ય વિભાગોમાં કાયમી પ્રતિનિયુક્તિ હેઠળની 118 જગ્યાઓની વિગતો પણ આપવામાં આવી છે. તેમાં ચૂંટણી વિભાગમાં મામલતદારની 36 જગ્યાઓ અને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળની શહેરી વિકાસ સત્તામંડળોમાં 24 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહ, સામાન્ય વહીવટ, માર્ગ અને મકાન, નર્મદા અને જળસંપત્તિ, આદિજાતિ વિકાસ તેમજ બંદરો અને વાહનવ્યવહાર સહિતના વિભાગોમાં પણ મામલતદાર સંવર્ગની જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.
તાલુકા કચેરીથી વિવિધ સરકારી સંસ્થાઓ સુધીની જગ્યાઓ સામેલ
તાલુકાઓમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની 264 તથા શહેરી વિસ્તારોમાં 44 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલેક્ટર કચેરીઓ, iORA, મહેસૂલ નિરીક્ષણ તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત કામગીરી સાથે સંકળાયેલી જગ્યાઓનો પણ ઠરાવમાં ઉલ્લેખ છે.
પ્રતિનિયુક્તિ હેઠળની 15 જગ્યાઓમાં ગુજરાત સાયન્સ સિટી, પવિત્ર યાત્રાધામ બોર્ડ, રેરા, રાજ્ય ચૂંટણી પંચ અને સ્પીપા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
નવી જગ્યા ઊભી કરવા માટે મહેસૂલ વિભાગનો પરામર્શ અનિવાર્ય
સરકારે ઠરાવમાં સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વિભાગ કે કચેરીમાં મામલતદાર સંવર્ગની નવી જગ્યા ઊભી કરવી હોય અથવા હાલની જગ્યા રદ કરવી હોય તો મહેસૂલ વિભાગના પરામર્શ હેઠળ કાર્યવાહી કરવાની રહેશે. આવા ફેરફારની જાણ પણ મહેસૂલ વિભાગને તાત્કાલિક કરવાની સ્પષ્ટતા પણ કરાઈ છે.