દાંતા વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલનો મેદાની પ્રવાસ: સ્થળ પર જ વિકાસકાર્યોની સમીક્ષા, જનસુનાવણીમાં પ્રશ્નો સાંભળ્યા
અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ જાણવા મંત્રીનું રાત્રિરોકાણ
સ્થાનિક પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ અને વિકાસકાર્યોને ગતિ આપવા અધિકારીઓને સૂચના
અંબાજી શક્તિ કોરિડોર, બાયપાસ અને રેલવે પ્રોજેક્ટનું નિરીક્ષણ
ગાંધીનગર અંતરિયાળ વિસ્તારોની સમસ્યાઓને માત્ર કાગળ પર નહીં, પરંતુ સ્થળ પર જઈને સમજવા અને નાગરિકોની રજૂઆતોના અસરકારક નિરાકરણ માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દાંતા વિધાનસભા મતવિસ્તારમાં મેદાની પ્રવાસ કર્યો હતો. અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત દરમિયાન તેમણે વિકાસકાર્યોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું, વહીવટી તંત્ર સાથે સંકલન સાધ્યું અને જનસુનાવણી દ્વારા લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોની વાસ્તવિક જરૂરિયાતો સમજવા મંત્રીએ દાંતા વિસ્તારમાં રાત્રિરોકાણ સાથે આદિવાસી સમાજ ના પરિવાર સાથે ભોજન કરી સ્થાનિક સમસ્યાઓ બાબતે સંવાદ કર્યો હતો. સ્થાનિક પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ, પાયાની સુવિધાઓનું વિસ્તરણ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આ દરમિયાન અંબાજી–ગબ્બર શક્તિ કોરિડોર, અંબાજી બાયપાસ રોડ અને અંબાજી–તારંગા રેલવે લાઇન જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરીને મંત્રીએ વિકાસકાર્યોના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.




