વિજયાદશમી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્રપૂજન, સુરક્ષાકર્મીઓને પાઠવ્યો ફરજ અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી પરંપરા આજે પણ જળવાઈ રહી છે | મુખ્યમંત્રીએ સુરક્ષાકર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી
ગાંધીનગર...
વિજયાદશમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શસ્ત્ર અને શાસ્ત્રના મહત્ત્વને ઉજાગર કરતાં ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવી રાખી હતી.
મુખ્યમંત્રીએ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કર્યું હતું અને તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ફરજ સાથે માનવીય મૂલ્યો જાળવવા અપીલ
શસ્ત્રપૂજનના પ્રસંગે મુખ્યમંત્રીએ સુરક્ષાકર્મીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સુરક્ષાની જવાબદારી નિભાવવાની સાથે સંવેદના, કરુણા અને સત્કર્મોની ભાવના જાળવી રાખવી જરૂરી છે. ફરજ પ્રત્યે નિષ્ઠા રાખીને સતત કાર્યરત રહેવું એ જ સાચો કર્મયોગ છે.
તેમણે ફરજપાલનની સાથે માનવીય મૂલ્યોનું જતન કરવા અને સત્કર્મો દ્વારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ સાધવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરા આજે પણ જળવાઈ
મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજન કરવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી હતી. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીની સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસ અધિક્ષક તેજસ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો, કમાન્ડોઝ અને વાહનચાલકો સહિતના સુરક્ષાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજનમાં સહભાગી થયા હતા.

