અડાલજમાં CM ભૂપેન્દ્ર પટેલની સામે જ શંકરાચાર્યનો હુંકાર! 'તમને રાજા બનાવનાર લોકોની માંગ છે, ગૌમાતાની સેવા કરો'
ગુજરાતના ગાંધીનગર નજીક અડાલજના પર્વ મેદાનમાં યોજાયેલા ગૌ સન્માન મહાસંમેલનમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગે જોર પકડ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત દેશભરમાંથી આવેલા સંતો-મહાત્માઓ અને મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મહાસંમેલનમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીની હાજરીમાં જ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ ઉઠાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે લોકોએ તમને સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે, તેમની પણ આ જ માંગ છે. ગૌમાતાની સેવા કરો, તમને કોઈ ગાદી પરથી નહીં ઉતારે.શંકરાચાર્યના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચાયું હતું. હવે સવાલ એ છે કે શું સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ પર કોઈ મોટો નિર્ણય લેશે?
શંકરાચાર્યએ મુખ્યમંત્રીને શું કહ્યું?
મહાસંમેલનમાં સંબોધન કરતાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ગૌમાતાના ધાર્મિક અને સામાજિક મહત્ત્વ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાયની ભક્તિ કરવી એ હિંદુ ધર્મના સંસ્કારોનો ભાગ છે. જો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો જે લોકો આજે ગાયને માત્ર પશુ માને છે, તેઓ પણ તેને માતા તરીકે સ્વીકારવા લાગશે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો આપણે ગાયને માતા માનીએ છીએ તો પછી તેની હત્યા કેવી રીતે થઈ શકે? કેન્દ્ર સરકારને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌહત્યા રોકવા માટે કાયદો બનાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીને સંબોધીને તેમણે કહ્યું હતું કે તમને રાજા બનાવનારા લોકોની પણ આ જ માંગ છે. ગૌમાતાની સેવા કરો, કોઈ તમને ગાદી પરથી ઉતારશે નહીં.
એક લાખથી વધુ ગૌભક્તો જોડાયાનો આયોજકોનો દાવો
અડાલજના ત્રિમંદિર નજીક આવેલા પર્વ મેદાનમાં 27 નવેમ્બરના રોજ આ મહાસંમેલન યોજાયું હતું. આયોજકો દ્વારા એક લાખથી વધુ ગૌભક્તો જોડાવાનો દાવો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 300થી વધુ સંતો-મહંતોની ઉપસ્થિતિ પણ નોંધાઈ હતી. આ અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો અપાવવો, સમગ્ર ગૌવંશને રાષ્ટ્રીય ધરોહર તરીકે માન્યતા આપવી અને દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ રજૂ કરવામાં આવી હતી.
ગૌવંશના નિભાવ માટે પ્રતિ ગાય ₹80ની સહાય આપવાની માંગ
મહાસંમેલનમાં નંદ મહારાજે ગૌવંશના નિભાવ માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની માંગ કરી હતી. તેમણે ઉત્તરાખંડ સરકારનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે ત્યાં ગૌવંશના નિભાવ માટે પ્રતિ ગાય ₹80ની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર પણ ગૌશાળાઓ અને ગૌવંશના નિભાવ માટે આવી આર્થિક સહાય આપે તેવી તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં પણ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ કરી હતી.
સંમેલનમાં ગૌસંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કરાયા
- ગૌવંશના વિકાસ અને સંરક્ષણ માટે અલગ ગૌમંત્રાલય બનાવવામાં આવે.
- ગૌશાળાઓને પૂરતી આર્થિક સહાય આપવામાં આવે.
- ગૌચર જમીન ઉદ્યોગોને ફાળવવાનું ટાળવામાં આવે.
- ગાયોના નિભાવ અને આરોગ્ય માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
- સરકારી આવાસોમાં ગોબર આધારિત સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે.
- સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો બનાવવામાં આવે.
સંતોનું કહેવું હતું કે ગૌસેવા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેના માટે વ્યવસ્થિત સરકારી નીતિ અને આર્થિક સહાય પણ હોવી જોઈએ.