આ વિધાનસભા બેઠક માટે હાર્દિક પટેલ અને વરુણ પટેલ વચ્ચે ટક્કર? સોશિયલ મીડિયા પોસ્ટથી પાટીદાર રાજકારણમાં ગરમાવો
ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર નેતાઓ વચ્ચે ફરી એકવાર જૂની ખેંચતાણ સપાટી પર આવી છે. એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં ખભેખભા મિલાવીને લડનારા નેતાઓ હવે સોશિયલ મીડિયા પર એકબીજાને આડકતરી રીતે જવાબ આપતા જોવા મળી રહ્યા છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની એક પોસ્ટથી શરૂ થયેલો આ ઘટનાક્રમ હવે વરુણ પટેલની આક્રમક ફેસબુક સ્ટોરી સુધી પહોંચી ગયો છે.
હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, દિનેશ બાંભણિયા અને વરુણ પટેલની પોસ્ટને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. શું આ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલો શાબ્દિક જંગ છે કે પછી 2027ની ચૂંટણી પહેલાં પાટીદાર નેતાઓ વચ્ચે નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે? સૌથી મોટો સવાલ એ પણ છે કે શું આ સમગ્ર ખેંચતાણના કેન્દ્રમાં વિરમગામ વિધાનસભા બેઠક છે?
હાર્દિક પટેલની એક પોસ્ટથી શરૂ થયો વિવાદ
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 25 નવેમ્બર 2026ના રોજ થઈ હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે,
મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે તે જરૂરી નથી.
હાર્દિકની આ પોસ્ટ સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી કે આખરે તેઓ કોને સંબોધીને આ વાત કહી રહ્યા છે? શું ભાજપની અંદર કોઈ જૂથ સાથે તેમનો મતભેદ ચાલી રહ્યો છે કે પછી આ સંદેશ કોઈ અન્ય રાજકીય વિરોધી માટે હતો? જોકે, હાર્દિકે પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું નહોતું.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ હાર્દિકના સમર્થનમાં
હાર્દિક પટેલની પોસ્ટ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર હાર્દિક સાથેનો જૂનો ફોટો શેર કર્યો હતો. અલ્પેશ કથીરિયાએ લખ્યું હતું કે અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ન કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ. અલ્પેશની આ પોસ્ટને હાર્દિકના સમર્થન તરીકે જોવામાં આવી હતી. જોકે, અલ્પેશે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હાર્દિકના સમર્થનમાં પોસ્ટ મૂકી છે, પરંતુ હાર્દિકે પોતાની પોસ્ટ શા માટે મૂકી તેની તેમને જાણ નથી. બંને વચ્ચે આ મુદ્દે વાતચીત પણ થઈ નહોતી.
વરુણ પટેલની 'ઉંદર' વાળી પોસ્ટથી નવો વળાંક
હાર્દિક અને તેના સમર્થકોની પોસ્ટ બાદ હવે પાટીદાર આંદોલનના અગ્રણી નેતા વરુણ પટેલે પોતાની ફેસબુક સ્ટોરીમાં નામ લીધા વગર આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. વરુણ પટેલે લખ્યું હતું કે, અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે, વક્ત આને દો સારે બિલ કે દરવાજે ભી બંધ કર દૂંગા, અભી તો સિર્ફ શોલા ભડકાયા હૈ આગે દેખો સૈલાબ હોગા, બહુત કુછ બદલને વાલા હૈ.
વરુણ પટેલની આ પોસ્ટ બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે તેઓ કોને 'ઉંદર' કહી રહ્યા છે? કોના માટે દરવાજા બંધ કરવાની વાત કરી રહ્યા છે? અને તેઓ કયા મોટા બદલાવની વાત કરી રહ્યા છે? આ પોસ્ટમાં પણ તેમણે કોઈ વ્યક્તિનું નામ લીધું નથી. જોકે, હાર્દિકની અગાઉની પોસ્ટ સાથે સમયની સમાનતાને કારણે બંને ઘટનાને જોડીને રાજકીય ચર્ચા થઈ રહી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે વરુણ પટેલે પાટીદાર આંદોલનની અગાઉની ટીમ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેઓ અને દિનેશ બાંભણિયા એક ટીમમાં છે, પરંતુ હાર્દિક પટેલ તેમની ટીમમાં નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાર્દિક ચિંતન શિબિરમાં પણ આવ્યા નહોતા. આ નિવેદનથી પાટીદાર આંદોલનના જૂના સાથીઓ વચ્ચે અલગ-અલગ જૂથ હોવાની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
હાર્દિક અને વરુણ વચ્ચેની ખેંચતાણ નવી નથી!
હાર્દિક પટેલ અને વરુણ પટેલ વચ્ચેના રાજકીય મતભેદની ચર્ચા નવી નથી. 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ વિરમગામ બેઠક પર હાર્દિક પટેલને ભાજપની ટિકિટ મળવા અંગે અન્ય દાવેદારોની નારાજગીની ચર્ચા થઈ હતી. વરુણ પટેલને પણ આ બેઠક માટે દાવેદાર માનવામાં આવતા હોવાના અહેવાલો અગાઉ સામે આવ્યા હતા. જોકે, અંતે ભાજપે હાર્દિક પટેલને ઉમેદવાર બનાવ્યા અને તેઓ વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા.
હવે 2027ની ચૂંટણી પહેલાં ફરી એકવાર વિરમગામ બેઠકનું નામ ચર્ચામાં આવ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આગામી ચૂંટણીમાં આ બેઠક પર દાવેદારીને લઈને અત્યારથી જ આંતરિક સમીકરણો રચાઈ રહ્યાં છે. જોકે, વરુણ પટેલે 2027માં વિરમગામથી ચૂંટણી લડવાની કે ભાજપની ટિકિટ માગવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી તેમની દાવેદારીને હાલ રાજકીય ચર્ચા તરીકે જ જોવી જોઈએ.
ભાજપના જિલ્લા સંગઠનમાં બંને જૂથોને સમાન મહત્ત્વ મળતું હોવાની ચર્ચા
આ સમગ્ર વિવાદમાં ભાજપના સ્થાનિક સંગઠનની ભૂમિકા પણ ચર્ચામાં છે. રાજકીય સૂત્રોના હવાલાથી એવા અહેવાલો સામે આવ્યા છે કે વિરમગામ અને આસપાસના વિસ્તારમાં હાર્દિક પટેલથી નારાજ કેટલાક નેતાઓ તથા સંગઠનના હોદ્દેદારો વરુણ પટેલની નજીક હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ હાર્દિક પટેલને એવું લાગતું હોવાની ચર્ચા છે કે સ્થાનિક ભાજપ સંગઠન બંને જૂથોને સમાન મહત્ત્વ આપી રહ્યું છે.
શું 2027 પહેલાં વિરમગામમાં જોવા મળશે મોટો રાજકીય જંગ?
હાલની સમગ્ર પરિસ્થિતિમાં ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે છે. પ્રથમ, હાર્દિક પટેલની મૌન અને જવાબ અંગેની પોસ્ટ. બીજી, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનો તેમના સમર્થનમાં દેખાતો સોશિયલ મીડિયા પ્રતિસાદ. અને ત્રીજી, વરુણ પટેલની આક્રમક પોસ્ટ તથા દિનેશ બાંભણિયા સાથેની ટીમ અંગેની સ્પષ્ટતા. આ તમામ ઘટનાક્રમને કારણે પાટીદાર આંદોલનના જૂના સાથીઓ વચ્ચેના સંબંધો અને રાજકીય સમીકરણો ફરી ચર્ચામાં આવ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે આ પોસ્ટ વોર સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત રહે છે કે પછી આગામી દિવસોમાં કોઈ જાહેર નિવેદન, બેઠક કે રાજકીય કાર્યક્રમ દ્વારા આ ખેંચતાણ વધુ સ્પષ્ટ બને છે.