ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલાં નવી મતદાર યાદી જાહેર, 8.46 લાખનો વધારો; નામ ઉમેરવાની છેલ્લી તક ક્યારે?
ગુજરાતમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતમાં કુલ 4.48 કરોડથી વધુ મતદારો નોંધાયા છે. ખાસ વાત એ છે કે અગાઉની આખરી મતદાર યાદીની સરખામણીએ રાજ્યમાં 8,46,563 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી બાદ હવે નાગરિકોને પોતાના નામ અને વિગતો ચકાસવાની તક મળશે. જો મતદાર યાદીમાં નામ ન હોય, નામમાં ભૂલ હોય કે સરનામું બદલવાનું હોય તો 26 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકાશે. અગાઉ 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થયેલી આખરી મતદાર યાદીમાં કુલ 4,40,30,725 મતદારો હતા. તેની સરખામણીએ નવી યાદીમાં 8,46,563 મતદારોનો એટલે કે 1.92 ટકાનો ચોખ્ખો વધારો થયો છે.
ગુજરાતમાં કુલ કેટલા મતદારો નોંધાયા?
મતદારોની કેટેગરી સંખ્યા
પુરુષ મતદારો 2,30,90,067
મહિલા મતદારો 2,17,86,150
થર્ડ જેન્ડર 1,071
કુલ મતદારો 4,48,77,288
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નવા નામ ઉમેરવા માટે 12,01,184 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 3,54,621 નામ કમી કરવાની અરજીઓ મંજૂર થઈ હતી.
26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને સુધારવાની તક
નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર 2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. જે નાગરિકોનું નામ મતદાર યાદીમાં નથી તેઓ નવું નામ ઉમેરવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત નામ, અટક, જન્મતારીખ, ફોટો અથવા સરનામામાં ભૂલ હોય તો તેમાં પણ સુધારો કરાવી શકાશે.
ત્રણ રવિવારે મતદાન મથકો પર હાજર રહેશે BLO
- 29 નવેમ્બર 2026
- 6 ડિસેમ્બર 2026
- 13 ડિસેમ્બર 2026
આ ત્રણેય રવિવારે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. નાગરિકો પોતાના મતદાન મથકે જઈને નામની ચકાસણી કરી શકશે અને જરૂરી ફોર્મ ભરી શકશે.ચૂંટણી પંચે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો માટે પણ ખાસ સુવિધા આપી છે. 1 જાન્યુઆરી 2027ના રોજ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ અગાઉથી અરજી કરી શકશે. આ માટે એડવાન્સ અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
કયા કામ માટે કયું ફોર્મ ભરવું?
ફોર્મ ઉપયોગ
ફોર્મ-6 નવું નામ ઉમેરવા
ફોર્મ-6A વિદેશમાં રહેતા ભારતીય મતદારોની નોંધણી
ફોર્મ-6B આધાર નંબરની વિગતો આપવા (સ્વૈચ્છિક)
ફોર્મ-7 નામ સામે વાંધો અથવા નામ કમી કરવા
ફોર્મ-8 નામ, સરનામું, ફોટો સહિતની વિગતો સુધારવા અને સ્થળાંતર માટે
ઘરે બેઠા પણ ચકાસી શકશો મતદાર યાદીમાં નામ
જે નાગરિકો મતદાન મથક સુધી જઈ શકતા નથી તેઓ ઘરે બેઠા પણ ઓનલાઈન પોતાનું નામ ચકાસી શકે છે. તે માટે ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ Voters' Services Portal પર જઈને મતદાર યાદીમાં નામ શોધી શકાય છે અને જરૂરી ફોર્મ પણ ભરી શકાય છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ CEO Gujarat પરથી પણ મતદાર યાદી સંબંધિત માહિતી મેળવી શકાય છે. મોબાઈલમાં Voter Helpline App દ્વારા પણ સુવિધા ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરી શકાય છે.
ક્યારે જાહેર થશે આખરી મતદાર યાદી?
હાલ જાહેર કરાયેલી યાદી ડ્રાફ્ટ મતદાર યાદી છે. એટલે નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવનારા હક્ક-દાવા અને વાંધાઓની ચકાસણી બાદ આખરી યાદી જાહેર કરવામાં આવશે. હાલના કાર્યક્રમ મુજબ 26 ડિસેમ્બર 2026 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ 11 જાન્યુઆરી 2027 સુધી અરજીઓનો નિકાલ કરવામાં આવશે અને 18 જાન્યુઆરી 2027ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે.