ઘરનું ઘર આપવાના નામે છેતર્યા,અમદાવાદમાં સરકારી મકાન અપાવવાના નામે ₹50 લાખની ઠગાઈ!
ઘર હોય તે દરેક પરિવારનું સપનું હોય છે. ખાસ કરીને ઓછા ખર્ચે સરકારી આવાસ યોજનામાં મકાન મળી જાય તો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત બની શકે છે. પરંતુ અમદાવાદના ગોતા વિસ્તારમાં સરકારી મકાન અપાવવાની લાલચ આપીને લોકોની આ જ આશાનો ગેરલાભ ઉઠાવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અપાવવાના નામે બે શખસોએ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ નામના બે શખસોએ મકાન ફાળવણી અને દસ્તાવેજ કરાવી આપવાની ખાતરી આપીને કુલ ₹50,04,000 જેટલી રકમ મેળવી હોવાનો આક્ષેપ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પાડોશીએ જ બતાવ્યું સરકારી મકાનનું સપનું
આ સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 2024માં થઈ હતી. મેમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભાડાના મકાનમાં રહેતા નરેશ પ્રજાપતિના પાડોશમાં ધનરાજ યાદવ રહેતો હતો. ફરિયાદ મુજબ, ધનરાજે નરેશભાઈને જણાવ્યું હતું કે તેનો એક મિત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં સરકારી મકાનો અપાવી શકે છે અને મકાન માટે જરૂરી ફોર્મ ભરાવવાની પણ વ્યવસ્થા કરી આપે છે.
આ વાત પર વિશ્વાસ રાખીને નરેશ પ્રજાપતિ અને તેમનાં પત્ની ધનરાજ સાથે ગોતાના વંદે માતરમ રોડ પર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં મકાન જોવા ગયાં હતાં. અહીં તેમને એક 1 BHK મકાન બતાવવામાં આવ્યું હતું. આ મકાનની કિંમત આશરે ₹8 લાખ હોવાનું જણાવવામાં આવ્યું હતું. મકાન ન મળે તો આપેલી એડવાન્સ રકમ પરત કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
ત્યારબાદ ધનરાજે નરેશભાઈની મુલાકાત પોતાના મિત્ર નિકુંજ ભરવાડ સાથે કરાવી હતી. નિકુંજ મકાન અપાવવાનું કામ કરતો હોવાનું કહીને નાણાકીય વ્યવહાર ધનરાજ સાથે રાખવા જણાવાયું હતું. ફરિયાદ મુજબ, નરેશ પ્રજાપતિ પાસેથી મકાનના એડવાન્સ અને દસ્તાવેજની પ્રક્રિયાના નામે ટુકડે-ટુકડે રકમ લેવામાં આવી હતી.
ત્યારબાદ તેમને જાણ કરવામાં આવી કે બ્લોક નંબર 13નું મકાન તેમના નામે ફાળવાઈ ગયું છે અને હવે દસ્તાવેજની કામગીરી બાકી છે. પરંતુ દસ્તાવેજ કરાવવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ દ્વારા અલગ-અલગ બહાનાં આપવામાં આવતાં હતાં. ક્યારેક અધિકારીનાં માતાનું અવસાન થયું હોવાનું તો ક્યારેક આગળથી જવાબ આવશે તેમ કહી સમય પસાર કરવામાં આવતો હતો.
23 સપ્ટેમ્બર 2024ના રોજ નરેશભાઈને દસ્તાવેજ કરાવવા માટે ગોતા મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, ત્યાં પણ દસ્તાવેજની કામગીરી પૂર્ણ થઈ નહોતી. લાંબા સમય સુધી મકાન કે દસ્તાવેજ ન મળતાં નરેશભાઈને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમણે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
નરેશ પ્રજાપતિએ વધુ તપાસ કરતાં આ જ રીતે અન્ય લોકો પાસેથી પણ સરકારી મકાન અપાવવાના નામે પૈસા લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસ ફરિયાદને ટાંકીને નરેશ પ્રજાપતિ ઉપરાંત અન્ય 22 લોકો પાસેથી પણ રકમ લેવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. આમ કુલ 23 લોકો પાસેથી ₹50,04,000 મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ₹1 લાખથી અઢી લાખ સુધીની રકમ લેવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, મકાન ફાળવવામાં આવ્યું ન હતું અને નાણાં પરત પણ આપવામાં આવ્યા ન હોવાના આક્ષેપ સાથે આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસ તપાસમાં આ નાણાકીય વ્યવહારો કેવી રીતે થયા, અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને સરકારી આવાસ ફાળવણીના નામે કોઈ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો કે નહીં તે સહિતની બાબતો સ્પષ્ટ થઈ શકે છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં સામે આવેલા આ કિસ્સાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે સામાન્ય માણસ પોતાના ઘરના સપના માટે કોના પર વિશ્વાસ કરે? હાલ પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર કૌભાંડની વધુ વિગતો સામે આવશે.