સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસે વખાણ કરાવવા AMC 2 કરોડનું આંધણ કરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે સોશિયલ મીડિયા પર પોતાની કામગીરીના વખાણ કરાવવા અને ફોલોઅર્સ વધારવા માટે મોટું આંધણ કરવા તૈયાર થયું છે. બે વર્ષ માટે કુલ રૂ. 2.16 કરોડ (GST અલગ)ના ખર્ચે ‘ઈવીએમ કન્સલ્ટન્સી’ને આ કામ સોંપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે.
વાર્ષિક 1.08 કરોડનો ખર્ચ
મ્યુનિ. તંત્ર પોતાના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સ (X) અને યુટ્યુબ એકાઉન્ટ પર રીલ, વીડિયો અને પોસ્ટ મૂકીને ફોલોઅર્સ વધારવા માટે વર્ષે રૂ. 1.08 કરોડ ખર્ચ કરશે. બે વર્ષનો કુલ ખર્ચ 2.16 કરોડ થશે. એજન્સીને દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ અથવા રીલ મૂકવાની સૂચના અપાઈ છે.
ખર્ચમાં મોટો વધારો
ત્રણેક મહિના અગાઉ મ્યુનિ.એ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે વર્ષે 60 થી 70 લાખનો અંદાજ રાખ્યો હતો. પરંતુ કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. હવે રિ-ટેન્ડર બાદ આ રકમ વધારીને સીધી એક કરોડ (1.08 કરોડ) કરી દેવાઈ છે.
પરંપરાગત પ્રચારથી ડિજિટલ તરફ
અત્યાર સુધી મ્યુનિ. તંત્ર રસ્તા પર મોટા હોર્ડિંગ્સ, બેનર અને પત્રિકાઓ દ્વારા લોકસંપર્ક કરતું હતું. હવે યુવા વર્ગ અને જેન ઝી (Gen Z) સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા અને ઈન્ફ્લુએન્સર્સનો સહારો લેવાનો નિર્ણય લેવાયો છે. એજન્સી AMCની કામગીરી, પ્રોજેક્ટ્સ અને પહેલોને રીલ અને વીડિયો દ્વારા પ્રમોટ કરશે.
આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા બાદ કામગીરી શરૂ થશે. જાહેર નાણાંના આટલા મોટા ખર્ચ પર ચર્ચા પણ શરૂ થઈ છે કે શહેરની મૂળભૂત સમસ્યાઓ વચ્ચે પ્રચાર પાછળ આટલું ખર્ચ કરવું કેટલું યોગ્ય છે.