તમે સ્પ્રે વાપરો છો? ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 8 લોકો દાઝ્યા
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. ભંગારની સ્પ્રેની બોટલો તોડતી વખતે અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકો દાઝી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, આ દુર્ઘટના ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલી ખાતે બની હતી. ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર ભંગારમાં આવેલી એલ્યુમિનિયમની સ્પ્રે અને અત્તરની બોટલો તોડીને તેમાંથી ગેસ તથા હવા કાઢવાની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન એક બોટલ પર હથોડી મારતાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.
હથોડી મારતાં જ થયો બ્લાસ્ટ, આગની લપેટમાં આવ્યા પરિવારના સભ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યો ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલોમાંથી લોખંડના બૂચ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. આ માટે બોટલો પર હથોડી મારવામાં આવી રહી હતી. દરમિયાન અચાનક તણખો કે અન્ય કોઈ કારણસર આગનો ભડકો થયો હતો.
બોટલોમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે. એક પછી એક બોટલોમાં આગ લાગતાં જોરદાર અવાજ સાથે ધડાકા થવા લાગ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે આસપાસના લોકોને પણ જાણે બોમ્બ ફૂટ્યો હોય તેવો અહેસાસ થયો હતો.
પ્રત્યક્ષદર્શી કમુબેને સંભળાવી આંખો સામે બનેલી ઘટના
પાડોશી અને પ્રત્યક્ષદર્શી કમુબેને આ દુર્ઘટનાની ભયાનકતા વર્ણવતાં જણાવ્યું હતું કે, પરિવાર ભંગારની ફેરી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ ભંગારમાંથી સ્પ્રે અને અત્તરની બોટલો થેલામાં ભરીને લાવ્યા હતા.
બોટલો તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક તણખો થયો અને જોરદાર ભડકો થયો હતો. ત્યારબાદ એક પછી એક બોટલોમાં આગ લાગવા લાગી હતી અને ધડાકા સાથે બોટલોના ટુકડા હવામાં ઉડવા લાગ્યા હતા.
કમુબેનના જણાવ્યા પ્રમાણે, ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકોને એવું લાગ્યું કે કોઈએ બોમ્બ ફેંક્યો છે. લોકો પોતાનાં બાળકોને લઈને જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. પરિવારના સભ્યો સળગતી હાલતમાં બહાર આવતા સ્થાનિક લોકોએ પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આગની ગંભીરતાને કારણે પરિસ્થિતિ કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી.
ઇજાગ્રસ્ત સાહિલે શું કહ્યું?
આ દુર્ઘટનામાં દાઝી ગયેલા યુવક સાહિલે જણાવ્યું હતું કે, પરિવારના સભ્યો એલ્યુમિનિયમની સ્પ્રેની બોટલો તોડીને તેમાંથી હવા અને ગેસ કાઢી રહ્યા હતા. આ બોટલો તેમના કાકા ભંગારમાંથી ક્યાંકથી લાવ્યા હતા.
બોટલો તોડવાની કામગીરી દરમિયાન અચાનક ભડકો થયો હતો. જોકે, આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગે તેમને જાણ નથી. સાહિલના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં તેમના એક જ પરિવારના સાતથી આઠ જેટલા સભ્યો દાઝી ગયા હતા.
સર ટી. હોસ્પિટલમાં 8 દર્દીઓની સારવાર, 2ની હાલત ગંભીર
ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કૈરવી દેસાઈએ આપેલી માહિતી મુજબ, સાંજે અંદાજે 5થી 5:15 વાગ્યાની આસપાસ દાઝેલા 8 દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં ચાર બાળકો અને ચાર પુખ્ત વયના દર્દીઓનો સમાવેશ થતો હતો.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, આઠ દર્દીઓમાંથી બેની હાલત ગંભીર હતી, જ્યારે એક દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. દર્દીઓની સારવાર માટે વધારાનો નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
ફાયર ઓફિસર યશ મોઢે જણાવ્યું હતું કે, તેમને ચંદ્રદીપભાઈ બાબરીયા નામના વ્યક્તિ દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દાઝી ગયા હોવાની માહિતી મળતાં જ ફાયર ટીમ રવાના થઈ હતી. ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં સ્પ્રેની બોટલો સાથેની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાયર વિભાગની ગાડી સ્ટેશનથી નીકળ્યા બાદ કુંભારવાડા તરફના રેલવે ફાટક પર ટ્રેન આવવાના કારણે ફાટક બંધ હતું. આના લીધે ફાયર ટીમને પહોંચવામાં અંદાજે 15 મિનિટનો વિલંબ થયો હતો. તેમના જણાવ્યા મુજબ, રેલવેના સ્થાનિક કર્મચારીઓને ઇમરજન્સી અંગે જાણ કરવામાં આવી હોવા છતાં ફાટક ખોલવા અંગે તાત્કાલિક કાર્યવાહી થઈ નહોતી.
સ્પ્રેની બોટલ તોડતી વખતે કેટલી સાવચેતી જરૂરી?
આ દુર્ઘટના સ્ક્રેપ અને ભંગારના વ્યવસાયમાં કામ કરતા લોકોની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. એરોસોલ અથવા સ્પ્રેની બોટલોમાં દબાણ હેઠળ ગેસ અને જ્વલનશીલ પદાર્થ હોઈ શકે છે. આવી બોટલને હથોડી મારવી, કાપવી, ગરમ કરવી કે આગ પાસે લઈ જવી જોખમી બની શકે છે. બોટલ ખાલી દેખાતી હોય તો પણ તેમાં દબાણ અથવા અવશેષ ગેસ રહી શકે છે.
તેથી આવી બોટલોને સામાન્ય ભંગાર સમજીને તોડવી નહીં. તેનો નિકાલ અને રિસાયક્લિંગ યોગ્ય સુરક્ષા પ્રક્રિયા તથા તાલીમબદ્ધ વ્યવસ્થા દ્વારા જ થવો જોઈએ.