'કોળી સમાજના CM હોવા જોઈએ' પબુભા માણેકના નિવેદનથી રાજનીતિમાં ભડકો,પાટીદાર અગ્રણી સામે પડ્યા
દ્વારકામાં માતાજીના માંડવામાં હીરા સોલંકીની હાજરીમાં પબુભાનું નિવેદન વાયરલ,હીરા સોલંકીએ કહ્યું-આ તેમનો અંગત મત;પાટીદાર આગેવાનો અને આપના ગોપાલ ઇટાલિયાએ પણ સાધ્યું નિશાન
ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. દ્વારકામાં કોળી સમાજના માતાજીના માંડવાના કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં કરવામાં આવેલા આ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. એક તરફ હીરા સોલંકીએ આ નિવેદનને પબુભાનો અંગત મત ગણાવ્યો છે, તો બીજી તરફ પાટીદાર આગેવાનો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું હતું પબુભા માણેકે?
ગત 12 નવેમ્બરના રોજ દ્વારકા કોળી સમાજની વાડી ખાતે માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન કોળી સમાજને સંબોધતાં પબુભા માણેકે કહ્યું હતું કે, 'મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે. અત્યાર સુધી જે થયું છે તે આપણા વડીલોએ પણ બધું સારું જ કર્યું હશે, પરંતુ હવે યુવાનોએ ખરેખર જાગવાની જરૂર છે.' પબુભાના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી પદને જ્ઞાતિ સાથે જોડીને કરવામાં આવેલી ટિપ્પણીને કારણે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હીરા સોલંકીએ કેમ આપવી પડી સ્પષ્ટતા?
પબુભા માણેકના નિવેદન સમયે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ મંચ પર ઉપસ્થિત હતા. વીડિયો વાયરલ થયા બાદ આ નિવેદનને લઈને હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી હતી.હીરા સોલંકીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પબુભા માણેકે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ તેમનો અંગત મત છે. દરેક વ્યક્તિના વિચારો અલગ હોઈ શકે છે. કાર્યક્રમમાં કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હોવાથી પબુભાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વરુણ પટેલની ખુલ્લી ચેલેન્જ
પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજના કેટલાક આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે. ખાસ કરીને પાટીદાર અગ્રણી વરુણ પટેલે પબુભા માણેકને ખુલ્લી ચેલેન્જ આપતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. વરુણ પટેલે પબુભાને પડકાર ફેંકતાં કહ્યું કે, એકલા ચૂંટણી લડીને બતાવો, અમે તમારો બધો પાવર ઉતારી દઈશું. વરુણ પટેલની આ પ્રતિક્રિયાને પગલે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવા પબુભાના નિવેદન સામે હવે પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓની નારાજગી પણ જાહેરમાં જોવા મળી રહી છે.
ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ
આ સમગ્ર વિવાદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પબુભા માણેક પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે પબુભા માણેક માત્ર નિવેદનો આપીને જતા રહે છે, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર પગલાં લેતા નથી.ગોપાલ ઇટાલિયાએ વધુમાં કટાક્ષ કરતાં કહ્યું કે જો ખરેખર કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની ઇચ્છા હોય તો 50 ધારાસભ્યોને સાથે લઈને દિલ્હી જાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ રજૂઆત કરો. માત્ર નિવેદનો આપવાથી કંઈ થવાનું નથી.
2027ની ચૂંટણી પહેલાં જ્ઞાતિ આધારિત રાજકારણ ગરમાશે?
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ રાજકીય સમીકરણો અને જ્ઞાતિ આધારિત પ્રતિનિધિત્વની ચર્ચાઓ શરૂ થઈ છે. કોળી સમાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રાજકીય રીતે મહત્વ ધરાવે છે. બીજી તરફ પાટીદાર સમાજ પણ ગુજરાતની રાજનીતિમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. આ સંજોગોમાં પબુભા માણેકનું નિવેદન માત્ર એક સામાજિક કાર્યક્રમ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ રાજકીય ચર્ચાનો મુદ્દો બની ગયું છે.