સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ બાળકોની શરત દૂર કરવાની કોંગ્રેસની માંગ, CMને લખ્યો પત્ર
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે મુખ્યમંત્રીને પત્ર લખીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાંથી ‘બે બાળકોનો નિયમ’ રદ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ત્રણ કે તેથી વધુ બાળકો ધરાવતા સક્ષમ ઉમેદવારોને ચૂંટણી લડવાની તક મળવી જોઈએ.
કોંગ્રેસની દલીલ
કોંગ્રેસનું કહેવું છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સંતાનોની સંખ્યા અંગે કોઈ નિયમ નથી. તેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આવી મર્યાદા ન હોવી જોઈએ. કાયદાના કારણે અનેક યોગ્ય અને અનુભવી ઉમેદવારો ચૂંટણી લડવાથી વંચિત રહે છે, એવો દાવો કરવામાં આવ્યો છે.
શું છે કાયદો?
ગુજરાતમાં 4 ઑગસ્ટ 2005થી સ્થાનિક સત્તામંડળોના કાયદાઓમાં સુધારો કરીને ‘બે બાળકોનો નિયમ’ લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ-30 મુજબ, નિર્ધારિત તારીખ પછી બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.
સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય
4 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણીમાં ‘બે સંતાન’ના નિયમની બંધારણીય માન્યતા પર પુનર્વિચાર કરવા માટે આ મામલો મોટી બેન્ચને મોકલ્યો છે. કોર્ટે કહ્યું કે વસ્તી વધારાના ભય પર આધારિત આ કાયદાઓ હવે પ્રસ્તુત નથી રહ્યા, કારણ કે દેશમાં પ્રજનન દર ઘટી રહ્યો છે અને વસ્તી વિષયક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
2003ના જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્યના ચુકાદાની પુનઃસમીક્ષા કરવામાં આવશે.આ સાથે જ ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠને પણ આજે જ મુખ્યમંત્રીને રજૂઆત કરીને કલમ 30(1)(m) રદ કરવાની માંગ કરી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. કોંગ્રેસની આ માંગ સાથે સરપંચ સંગઠનની માંગ પણ સરકાર સમક્ષ પહોંચી છે. હવે સરકાર આ અંગે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.