અમદાવાદીઓ જાણી લેજો, બપોરે 3 વાગ્યાથી આ રસ્તાઓ રહેશે બંધ
પંજાબી સિંગર દિલજીત દોસાંઝના 'Aura India Tour' અંતર્ગત આજે 21 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. કોન્સર્ટમાં અંદાજે 85 થી 90 હજાર જેટલા ચાહકો ઉમટી પડવાની શક્યતાને પગલે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક, સુરક્ષા અને મુસાફરી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
બપોરે 3 વાગ્યાથી આ મુખ્ય રસ્તાઓ રહેશે બંધ
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, આજે બપોરે 3:00 વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચે મુજબના માર્ગો પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે:
* જનપથ ટી (Janpath T) થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી અને મોટેરા ગામ ટી સુધીનો માર્ગ બંને દિશામાં બંધ રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ (Alternative Routes)
ટ્રાફિક જામથી બચવા માટે વાહનચાલકો નીચેના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે:
* રૂટ 1: તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા થઈ વિસત સર્કલ, ત્યાંથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તરફ અવરજવર કરી શકાશે.
* રૂટ 2: કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ત્યાંથી ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જઈ શકાશે.
કોને મળશે ટ્રાફિક પ્રતિબંધમાંથી છૂટ?
* કોન્સર્ટના આયોજન સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને સરકારી વાહનો.
* એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ જેવી ઇમરજન્સી સેવાઓના વાહનો.
* મોટેરા વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો (યોગ્ય ઓળખ/નિયમોને આધીન).
મુસાફરોની સુવિધા માટે મેટ્રો સેવા રાત્રે 11:30 સુધી લંબાવાઈ
કોન્સર્ટ પૂર્ણ થયા બાદ ચાહકોને પરત ફરવામાં સરળતા રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર કોરિડોર પર મેટ્રો સેવાનો સમય રાત્રે 11:30 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. મુસાફરો મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ લઈને મુસાફરી કરી શકશે.
1,300થી વધુ પોલીસકર્મીઓ અને CCTV-ડ્રોનથી ચુસ્ત બંદોબસ્ત
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે:
* સુરક્ષા બંદોબસ્તમાં 1 JCP, 5 DCP, 9 ACP અને PI સહિત 1,300થી વધુ પોલીસકર્મીઓ તેમજ 3 SRPની ટુકડીઓ તૈનાત રહેશે.
* બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો સતત ચેકિંગ કરશે, જ્યારે સમગ્ર પરિસર પર CCTV અને ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે.