દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી માટે ₹2,500 ફી!વીડિયો વિવાદ બાદ મોટો નિર્ણય?
દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા જાઓ અને મનફાવે તેમ ફોટા કે વીડિયો ઉતારો, તો હવે એવું નહીં ચાલે! કારણ કે દ્વારકા જગત મંદિરની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને એક નવો ઠરાવ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ફોટોગ્રાફી માટે ₹2,500ની ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલા ઠરાવ મુજબ, હવે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે. ખાસ કરીને ભોગ-મનોરથ, ધ્વજાજી અને વિવિધ ધાર્મિક ઉત્સવોની ફોટોગ્રાફી માટે ₹2,500 ફી નક્કી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
માત્ર એટલું જ નહીં, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનું કામ મંદિર સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકૃત ફોટોગ્રાફર પાસે જ કરાવવાનું રહેશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
હવે સવાલ એ થાય છે કે દ્વારકાધીશ મંદિરમાં અચાનક ફોટોગ્રાફીના નિયમો કડક કરવાની જરૂર કેમ પડી?
વાસ્તવમાં, અગાઉ મંદિર પરિસરમાં કથાકાર મોરારી બાપુ અને લોકગાયક કીર્તિદાન ગઢવીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને વિવાદ ઊભો થયો હતો. આ પ્રકારની ઘટનાઓને કારણે મંદિરની ધાર્મિક પરંપરા અને વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ હતી.
અગાઉ મંદિર પરિસરમાં ફોટોગ્રાફી માટે આર્કિયોલોજી વિભાગની મંજૂરી લેવાની હોવાની અને તેના માટે ₹60 હજાર સુધીની ફી ભરવાની હોવાની વિગતો પણ સામે આવી હતી.
જોકે, હવે વાયરલ થયેલા નવા ઠરાવમાં ₹2,500ની ફીનો ઉલ્લેખ થતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
પરંતુ અહીં એક મહત્ત્વની વાત છે. આ ઠરાવનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવા છતાં મંદિર પ્રશાસન તરફથી હજુ સુધી તેની સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. એટલે આ નિયમો કઈ રીતે અને ક્યારથી અમલમાં આવશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
હવે જોવાનું એ રહેશે કે દ્વારકાધીશ મંદિર પ્રશાસન આ વાયરલ ઠરાવ અંગે શું ખુલાસો કરે છે અને ફોટોગ્રાફી માટેના નવા નિયમો અંગે અંતિમ નિર્ણય શું લેવામાં આવે છે.