કરજણ નદીના બ્રિજમાં ગંભીર ક્ષતિઓ દેખાતા કોન્ટ્રાક્ટર સામે FIR, જવાબદાર અધિકારીઓ સામે પણ થશે કાર્યવાહી
જવાબદાર અધિકારીઓ પણ રડારમાં | ₹10.71 કરોડના ખર્ચે બનેલા બ્રિજની ગુણવત્તા સામે સવાલો | ₹10.71 કરોડના ખર્ચે બનેલા બ્રિજની ગુણવત્તા સામે સવાલો | વાહનવ્યવહાર માટે જોખમી જણાતાં બ્રિજ બંધ કરાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી કાયદાકીય કાર્યવાહી
ગાંધીનગર.....
નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી ઉપર બનેલા મેજર બ્રિજના બાંધકામમાં ગંભીર ગુણવત્તાકીય ક્ષતિઓ સામે આવતાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ બ્રિજનું બાંધકામ કરનાર સુરતની મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ. સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ (FIR) નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત, નબળી કામગીરી અને બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
એક પાયો બેસી જતાં સમગ્ર બ્રિજની તપાસ કરાઈ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની ચકાસણી દરમિયાન એક ફાઉન્ડેશન બેસી જવાની ક્ષતિ ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ વિભાગને સમગ્ર બ્રિજનું પરીક્ષણ અને નિરીક્ષણ કરવા જણાવાયું હતું. તપાસ દરમિયાન બ્રિજના અન્ય ભાગોમાં પણ ક્ષતિઓ જોવા મળી હતી.
બ્રિજની સ્થિતિ વાહનવ્યવહાર માટે યોગ્ય અને સલામત ન હોવાનું જણાતાં તેના પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
2018માં કામ સોંપાયું, 2020માં બાંધકામ પૂર્ણ થયું
માર્ગ અને મકાન વિભાગે વર્ષ 2018-19માં આ બ્રિજનું બાંધકામ સુરતની મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ.ને સોંપ્યું હતું. આ કામની ટેન્ડર રકમ રૂ. 10.71 કરોડ હતી. બાંધકામ શરૂ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર, 2018 હતી, જ્યારે કામગીરી ભૌતિક રીતે 14 ઓગસ્ટ, 2020ના રોજ પૂર્ણ થઈ હતી.
બાંધકામ પૂર્ણ થયાના વર્ષો બાદ બ્રિજની ચકાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવતાં તેની ગુણવત્તા અને બાંધકામની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
કોન્ટ્રાક્ટરની સાથે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બ્રિજના બાંધકામમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટર અને તેના પ્રતિનિધિઓ સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેના પગલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ઉપરાંત, બાંધકામમાં થયેલી નબળી કામગીરી અને સંબંધિત બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 હેઠળ કાર્યવાહી હાથ ધરવા પણ આદેશ આપવામાં આવ્યા છે.
જાહેર બાંધકામોની ગુણવત્તા સામે બાંધછોડ નહીં : ભુપેન્દ્ર પટેલ
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, જાહેર બાંધકામોમાં ગુણવત્તા અને સલામતી સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અથવા જવાબદારીમાં બેદરકારી સામે આવે તો કાયદા અને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
કરજણ નદીના બ્રિજના મામલે કોન્ટ્રાક્ટર સામે FIR અને જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાના આદેશને રાજ્ય સરકારના આ અભિગમના ભાગરૂપે જોવામાં આવે છે.