ગાંધીનગર મનપા કર્મચારી પર હુમલો, હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા મેયર કટિબદ્ધ
લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો
ગાંધીનગર...
ગાંધીનગર મહાનગરપાલિકાના લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર નામના કર્મચારી પર
કેટલાક ઇસમો દ્વારા અંગત કારણોસર હુમલો કરવાની ઘટના બની હતી જો કે ગાંધીનગરમાં બનેલી આ ઘટનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર પ્રશ્નો ઊભા થયા છે.તો બીજી તરફ આ હુમલાને લઈને મનપા મેયર રૂપસિંહ ઠાકોરે ગંભીરતા દાખવી છે. હુમલાખોરો સામે કડક કાર્યવાહી થાય તે માટે મહાનગરપાલિકા પોલીસને લેખિત ફરિયાદ કરી છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા મેયર કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.
ઘટના બન્યા બાદ મેયર સહિત પદાધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
મેયર રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર અંજનાબેન મહેતા તથા શાસક પક્ષના નેતા સહિતના આગેવાનો તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત મહેન્દ્રસિંહ પરમારની મુલાકાત લીધી હતી. પદાધિકારીઓએ તબીબો પાસેથી સારવારની વિગતો મેળવી ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનોને સાંત્વના આપી હતી.
ઘરે જતા રસ્તામાં ત્રણ શખ્સોએ કર્યો હુમલો
સમગ્ર ઘટના બાબતે પ્રાથમિક માહિતી અનુસાર એવી હકીકત જાણવા મળી છે કે મનપા કર્મચારી ફરજ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને રોકી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. પરિણામે આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હાથ-પગમાં આશરે નવ ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું છે. મનપા દ્વારા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.