ડિજિટલ એરેસ્ટનો ખૌફનાક ખેલ, શિક્ષકને 7 દિવસ ઘરમાં ગોંધી 24 લાખ રૂપિયા પડાવ્યા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી નાશિક પોલીસની ખોટી ઓળખ આપી સાયબર ગઠિયાઓએ આચરી મોટી છેતરપિંડી; દીકરીની સતર્કતાથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો.
રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગરમાંથી 'ડિજિટલ એરેસ્ટ' (Digital Arrest) ના નામે 24 લાખ રૂપિયાની મોટી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ગઠિયાઓએ ગાંધીનગરના એક 52 વર્ષીય શિક્ષકને 13 નવેમ્બરથી 19 નવેમ્બર 2026 દરમિયાન સતત 7 દિવસ સુધી ઘરમાં જ 'ડિજિટલ એરેસ્ટ' રાખી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી RTGS મારફતે 24 લાખ રૂપિયા પડાવી લીધા છે.
કેવી રીતે શરૂ થઈ ઠગાઈની જાળ?
ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત કિશાન નગરમાં રહેતા ગૌરાંગકુમાર માવજીભાઈ પટેલ અમદાવાદના દિલ્હી ચકલા ખાતે આવેલી જ્યોત કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 13 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન કરનારે પોતે 'ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયા'માંથી બોલતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે શિક્ષકને જણાવ્યું હતું કે, તેમના આધારકાર્ડનો દુરુપયોગ કરીને નાશિકમાં એક સીમકાર્ડ ખરીદવામાં આવ્યું છે. આ નંબર પરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અને હેરેસમેન્ટના મેસેજ મોકલાઈ રહ્યા છે, જેના કારણે નાશિક ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે ગંભીર ગુનો નોંધાયો છે.
પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ અને બનાવટી દસ્તાવેજો
ફોન બાદ ગૌરાંગકુમારના વોટ્સએપ પર 'IPS NASHIK' નામના એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. ગઠિયાઓએ પોલીસના યુનિફોર્મમાં વીડિયો કોલ કરીને શિક્ષકને માનસિક રીતે ડરાવ્યા હતા. વિશ્વાસ જીતવા અને ડરનો માહોલ ઊભો કરવા માટે આરોપીઓએ વોટ્સએપ પર નીચે મુજબના બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા:
• બનાવટી FIR ની કોપી
• કેનેરા બેંકના ડેબિટ કાર્ડનો ફોટો
• ગ્રેટર કોલાબા મુંબઈ પોલીસના લેટરહેડ પર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંડોવણી દર્શાવતો પત્ર
• બનાવટી એરેસ્ટ ઓર્ડર
દર બે કલાકે "હું સેફ" લખીને ફોટો મંગાવતા
ઠગ ટોળકીએ આરોપ મૂક્યો હતો કે, ધરપકડ કરાયેલા ઓ.એમ. અબ્દુલ સલામ નામના શખ્સે મની લોન્ડરિંગના 2 કરોડ રૂપિયામાંથી 10 ટકા કમિશન પેટે 20 લાખ રૂપિયા ગૌરાંગકુમારના ખાતામાં જમા કરાવ્યા છે. આ કેસની તપાસ ચાલુ હોવાનું કહીને શિક્ષકને 7 દિવસ સુધી ઘરમાં જ 'ડિજિટલ એરેસ્ટ' રાખવામાં આવ્યા હતા. ગઠિયાઓએ તેમના પર એટલો માનસિક કબજો જમાવ્યો હતો કે દર બે કલાકે પોતાનો ફોટો પાડી "હું સેફ" લખીને વોટ્સએપ પર મોકલવાની ફરજ પાડવામાં આવી હતી.
RBI ના ખોટા લેટરના નામે 24 લાખ ટ્રાન્સફર કરાવ્યા
ગઠિયાઓએ ભારતીય રિઝર્વ બેંક (RBI) નો બનાવટી લોગો ધરાવતો એક લેટર મોકલીને બેંક ખાતામાં રહેલી રકમની સરકારી ચકાસણી (Verification) કરવાનું બહાનું બનાવ્યું હતું. ડરી ગયેલા શિક્ષકે 17 નવેમ્બરના રોજ પોતાની એક્સિસ બેંકના ખાતામાંથી ગઠિયાઓએ આપેલા બેંક ઓફ ઈન્ડિયાના 'SAI PLASTIC' નામના ખાતામાં RTGS મારફતે રૂપિયા 24 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા મળ્યા બાદ ગઠિયાઓએ 'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા'ની બનાવટી પહોંચ પણ મોકલી આપી હતી.
દીકરીની સતર્કતાથી ફૂટ્યો ઠગાઈનો ભાંડો
શિક્ષક ગૌરાંગકુમાર સતત બંધ બારણે ગભરાયેલી હાલતમાં ફોન પર વાત કરતા હોવાથી તેમની દીકરી નતાશા પટેલને શંકા ગઈ હતી. દીકરીએ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પરિવારે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી હતી અને ત્યારબાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બેંક ખાતા અને મોબાઈલ નંબરોના આધારે તપાસ તેજ કરી છે.