GSRTCનો ડિજિટલ ટિકિટિંગમાં નવો રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ
ભાઈબીજના દિવસે 1,46,875 સીટ બુક થઈ, માત્ર મોબાઇલ એપથી 99,402 સીટનું બુકિંગ | ડિજિટલ આવક રૂ.3.55 કરોડ
ગાંધીનગર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભાઈબીજના દિવસે એટલે કે 11 નવેમ્બરે એક જ દિવસમાં 1,46,875 સીટનું બુકિંગ થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ દૈનિક બુકિંગ છે. આ સાથે દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગ અને આવકના મામલે GSRTC સતત સાતમા વર્ષે નંબર-1 બન્યું છે.
આ પૈકી માત્ર મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ 99,402 સીટનું બુકિંગ થયું હતું. ડિજિટલ માધ્યમથી થયેલા આ બુકિંગથી મુસાફરોમાં ઓનલાઈન ટિકિટિંગ પ્રત્યેનો વધતો વિશ્વાસ પણ સ્પષ્ટ થયો છે.
એક દિવસમાં રૂ.3.55 કરોડની ડિજિટલ આવક
GSRTCને એક જ દિવસમાં ડિજિટલ ટિકિટિંગથી રૂ.3.55 કરોડની આવક થઈ છે. જેમાં માત્ર મોબાઇલ એપ્લિકેશન મારફતે રૂ.2.27 કરોડની આવક નોંધાઈ છે. જ્યારે ભાઈબીજના દિવસે નિગમની કુલ આવક રૂ.13 કરોડથી વધુ રહી હતી.
2019થી સતત વધતું ડિજિટલ બુકિંગ
GSRTCના ડિજિટલ બુકિંગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2019માં 74,368 સીટના બુકિંગથી શરૂ થયેલી આ સફર 2026માં 1,46,875 સીટના નવા રેકોર્ડ સુધી પહોંચી છે. વર્ષ 2022માં 1,14,880, 2023માં 1,32,177, 2024માં 1,41,468 અને 2025માં 1,33,043 સીટનું બુકિંગ થયું હતું.
GSRTCએ જણાવ્યું છે કે મુસાફરોને સરળ, અત્યાધુનિક અને પારદર્શક ડિજિટલ ટિકિટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિગમ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ સિદ્ધિ સાથે ગુજરાતને દેશની રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગ ક્ષેત્રે ‘નંબર-1 STU’ બનવાનું ગૌરવ મળ્યું છે.