સરકારના મહત્વના વિભાગોના કામનો હિસાબ મંગાવ્યો, CMએ બજેટના લક્ષ્યાંકો સામે પ્રગતિ ચકાસી
બજેટના લક્ષ્યાંક કેટલા પૂરા થયા ? CM ભૂપેન્દ્ર પટેલે 4 વિભાગોની કામગીરીનું ઓડિટ શરૂ કર્યું
ગાંધીનગર.....
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બજેટ હેઠળની કામગીરીની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને અત્યાર સુધીની કામગીરી અને બજેટના લક્ષ્યાંક સામે થયેલી પ્રગતિની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ લેવલની આ બેઠકોમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને વિભાગના વડાઓએ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
જ્યારે ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગના વડાઓ પાસે કામગીરી નો હિસાબ માંગ્યો હતો. જેમાં કયા વિભાગે કેટલું કામ પૂર્ણ કર્યું, ? કયા લક્ષ્યાંકો હાંસલ થયા અને ક્યાં કામગીરીમાં હજુ ઝડપ લાવવાની જરૂર છે ? તે અંગે ભુપેન્દ્ર પટેલે ખાસ ચર્ચા સાથે મહત્વની સૂચનાઓ બેઠકમાં આપી છે.
આ સમીક્ષા દરમિયાન બજેટમાં ફાળવાયેલી યોજનાઓની પ્રગતિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. વિભાગોની વર્તમાન કામગીરી સાથે આગામી તબક્કામાં શું કરવાનું છે અને બાકી રહેલા કામોને કેવી રીતે ઝડપથી પૂર્ણ કરી શકાય તે અંગે પણ મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બજેટ પહેલા ચાર મહત્વના વિભાગો પર ફોકસ
સૌ પ્રથમ તબક્કામાં શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ જેવા મહત્વના વિભાગોને સમીક્ષામાં આવરી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં અન્ય વિભાગોની કામગીરીની પણ આવી જ રીતે સમીક્ષા કરે તેવી શક્યતા છે.
બેઠકોમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજયકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.