દારૂના કેસમાં જપ્ત વાહન પોલીસ સ્ટેશનમાં જ રાખવું ફરજિયાત નહીં! ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ દારૂની હેરાફેરીના અનેક કેસોમાં વાહનો જપ્ત કરવામાં આવે છે. આવા કેસોમાં વર્ષો સુધી વાહનો પોલીસ સ્ટેશનમાં પડી રહેતા હોવાથી વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે વાહનોની વચગાળાની કસ્ટડી અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દારૂની હેરાફેરીના કેસમાં જપ્ત કરાયેલું વાહન ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ રાખવું પડે તેવો કોઈ સંપૂર્ણ અને ફરજિયાત પ્રતિબંધ નથી. યોગ્ય સંજોગોમાં અદાલત વાહનમાલિકને વાહનની વચગાળાની કસ્ટડી સોંપવાનો આદેશ આપી શકે છે.
આ ચુકાદાથી દારૂના કેસમાં વાહનો જપ્ત થયા હોય તેવા વાહનમાલિકો માટે કાનૂની રાહતનો માર્ગ ખુલ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 98(2) હેઠળ જપ્ત થયેલા વાહનોને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડતો નથી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 497 હેઠળ ફોજદારી અદાલતને તપાસ અથવા ટ્રાયલ દરમિયાન જપ્ત થયેલા વાહનની વચગાળાની કસ્ટડી આપવાની સત્તા છે.
એટલે કે દારૂની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જથ્થો વાહનમાંથી મળી આવ્યો હોય તો પણ માત્ર આ કારણસર વાહનમાલિકની અરજી નકારી શકાય નહીં. અદાલતે કેસની હકીકતો અને પુરાવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણય લેવો પડશે.
સુરતના DCB પોલીસ સ્ટેશનના કેસમાં આવ્યો ચુકાદો
આ કાયદાકીય મુદ્દો સુરતના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં જપ્ત કરવામાં આવેલી સ્વિફ્ટ કારની અરજી દરમિયાન સામે આવ્યો હતો.
કારના માલિકે વાહનની વચગાળાની કસ્ટડી મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં સરકારી પક્ષે દારૂની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાથી વાહન જપ્ત થવાને પાત્ર હોવાની દલીલ કરી હતી.
જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં વાહન જપ્ત થઈ શકે તેવી શક્યતા હોવી એ જ કારણથી ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી વાહન પોલીસ સ્ટેશનમાં રાખવું જરૂરી છે એવું કહી શકાય નહીં.
કોર્ટે વાહનમાલિકની અરજી મંજૂર કરીને સ્વિફ્ટ કારને કેટલીક શરતોને આધીન વચગાળાની કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
વાહનમાલિકે કઈ શરતોનું પાલન કરવું પડશે?
હાઈકોર્ટે વાહન છોડતી વખતે પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાનું રક્ષણ થાય તે માટે કેટલીક શરતો નક્કી કરી હતી.
વાહનમાલિકે FIRમાં દર્શાવેલી વાહનની કિંમત જેટલી રકમનો પર્સનલ બોન્ડ અને સોલ્વન્ટ જામીન આપવાના રહેશે.
કોર્ટ જ્યારે પણ આદેશ આપે ત્યારે વાહન રજૂ કરવું પડશે.
કોર્ટની મંજૂરી વિના વાહન વેચી શકાશે નહીં કે અન્ય વ્યક્તિના હિતમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.
વાહનનો ઉપયોગ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં નહીં થાય તે અંગે બાંયધરી આપવી પડશે.
વાહનની સ્થિતિ અને ઓળખ જળવાઈ રહે તે માટે પંચનામું, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવશે.
આ શરતોનો હેતુ એ છે કે વાહનમાલિકને રાહત મળે અને સાથે સાથે તપાસ તથા ટ્રાયલ દરમિયાન જરૂરી પુરાવા પણ સુરક્ષિત રહે.
વાહન છોડવાથી આરોપી નિર્દોષ સાબિત થતો નથી
હાઈકોર્ટે એક મહત્ત્વની બાબત પણ સ્પષ્ટ કરી છે કે વાહનની વચગાળાની કસ્ટડી આપવાનો અર્થ આરોપીને નિર્દોષ જાહેર કરવો એવો નથી.
જો ભવિષ્યમાં ટ્રાયલ દરમિયાન આરોપી દોષિત સાબિત થાય અને કાયદા મુજબ વાહન જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો સત્તાધિકારીઓની કાયદાકીય સત્તા યથાવત્ રહેશે.