લઘુમતી શાળાઓની ભરતીમાં સરકારનો મેરિટનો મદાર! સંચાલકોની પસંદગીની સત્તા પર કાપ
TAT મેરિટમાં પ્રથમ ઉમેદવારને જ આપવી પડશે નિમણૂક, 20 ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તક છતાં સંચાલકો મનપસંદ ઉમેદવાર પસંદ નહીં કરી શકે
ગાંધીનગર.....
શિક્ષક ભરતીમાં હવે શાળા સંચાલકોની પસંદગી નહીં, પરંતુ મેરિટનો ક્રમ નિર્ણાયક બનશે. ગુજરાત સરકારે અનુદાન મેળવતી નોંધાયેલ ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લઘુમતી શાળાઓની ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 2021ના નિયમો રદ કરીને જાહેર કરાયેલા નવા નિયમોથી સંચાલન મંડળની અગાઉની પસંદગીની સત્તા મર્યાદિત બની છે.
નવા નિયમોની સૌથી મહત્ત્વની જોગવાઈ એ છે કે TATની મુખ્ય પરીક્ષાના ગુણના આધારે તૈયાર થતી મેરિટ યાદીમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને જ પસંદગી આપવી પડશે. ઇન્ટરવ્યૂ માટે પ્રથમ 20 ઉમેદવારોને બોલાવી શકાશે અને ઇન્ટરવ્યૂના 10 ગુણ પણ યથાવત્ રહેશે. પરંતુ ઇન્ટરવ્યૂ બાદ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમના ઉમેદવારોની યાદી તૈયાર થશે, જેમાં પ્રથમ ઉમેદવાર પસંદ થયેલો ગણાશે અને બાકીના બે વેઇટિંગ લિસ્ટમાં રહેશે.
ઇન્ટરવ્યૂ રહેશે, પણ પસંદગીની સ્વતંત્રતા નહીં!
અગાઉના નિયમોમાં ઇન્ટરવ્યૂ બાદ ઉમેદવારની યોગ્યતા, વિષયજ્ઞાન અને શાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની સંચાલકોને વધુ તક મળતી હતી. હવે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં સંચાલકોની ભાગીદારી હોવા છતાં અંતિમ પસંદગી મેરિટના પ્રથમ ક્રમ સાથે જોડાઈ ગઈ છે.
ભરતીની કમાન રાજ્યસ્તરની કમિટી પાસે
નવા નિયમો હેઠળ રાજ્યસ્તરની સ્ક્રુટિની કમિટી ખાલી જગ્યાઓ, ભરતીની જાહેરાત, અરજીઓની ચકાસણી અને TATના ગુણના આધારે મેરિટ તૈયાર કરશે. કમિટીમાં સરકારી અધિકારીઓ ઉપરાંત લઘુમતી શાળા સંચાલન મંડળોના પાંચ પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાશે.
ઉમેદવારો માટે પણ બદલાશે ગણિત
અગાઉ TATના ગુણને 70 ટકા અને શૈક્ષણિક લાયકાતને 30 ટકા વેઇટેજ મળતું હતું. હવે મેરિટ માટે TATની બે તબક્કાની મુખ્ય પરીક્ષાના ગુણને આધાર બનાવવામાં આવ્યો છે. ઉમેદવારો વધુમાં વધુ 20 શાળાની પસંદગી આપી શકશે.
આમ, નવા નિયમોથી ભરતી પ્રક્રિયામાં મેરિટને કેન્દ્રસ્થાને મૂકવાનો પ્રયાસ થયો છે. જોકે તેની સાથે લઘુમતી શાળા સંચાલકોની પસંદગીની સ્વતંત્રતા કેટલી મર્યાદિત થઈ છે અને ઇન્ટરવ્યૂની ભૂમિકા કેટલી અસરકારક રહેશે તે ચર્ચાનો વિષય બન્યો છે.