વિદેશી મહેમાનોની સુરક્ષામાં ‘કોર્પોરેટ પોલીસ’: ગાંધીનગર પોલીસનો બદલાશે પહેરવેશ
327 પુરુષ અને 80થી વધુ મહિલા પોલીસકર્મીઓ સંભાળશે મહાત્મા મંદિરની આંતરિક સુરક્ષા, PSI-PI બ્લેઝરમાં જોવા મળશે
ગાંધીનગર.....
ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં આ વખતે પોલીસનો અંદાજ પણ આંતરરાષ્ટ્રીય હશે. સમિટમાં દેશ-વિદેશથી આવનારા મહાનુભાવો, વિદેશી રાજદૂતો અને બિઝનેસ ડેલિગેશનો વચ્ચે ગાંધીનગર પોલીસ ખાખી વર્દીના બદલે કોર્પોરેટ લુકમાં જોવા મળશે. સુરક્ષા વ્યવસ્થાની સાથે પોલીસકર્મીઓના પહેરવેશને પણ આંતરરાષ્ટ્રીય આયોજનને અનુરૂપ બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
મહાત્મા મંદિર ખાતે સમિટ દરમિયાન અંદરની સુરક્ષાની જવાબદારી સંભાળનારા 400થી વધુ પોલીસકર્મીઓ માટે ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 327 પુરુષ પોલીસકર્મીઓ પેન્ટ-શર્ટ સાથે કોટી પહેરીને ફરજ બજાવશે, જ્યારે 80થી વધુ મહિલા પોલીસકર્મીઓ પણ ખાસ કોર્પોરેટ ડ્રેસમાં જોવા મળશે. બીજી તરફ PSI અને PI કક્ષાના અધિકારીઓ બ્લેઝર પહેરીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
ખાખીમાંથી કોર્પોરેટ લુક સુધીની તૈયારી
સમિટમાં આવનારા મહેમાનો સાથે સીધો સંપર્ક ધરાવતા પોલીસકર્મીઓ માટે આ ખાસ પહેરવેશ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે કાપડની ખરીદી, પોલીસકર્મીઓનાં માપ લેવાની અને ડ્રેસની સિલાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સુરક્ષાની સાથે પ્રેઝન્ટેશન પર પણ ભાર
વાઇબ્રન્ટ સમિટ માત્ર ઔદ્યોગિક રોકાણનું પ્લેટફોર્મ નહીં, પરંતુ ગુજરાતની વૈશ્વિક છબી રજૂ કરતું મોટું આયોજન છે. ત્યારે મહાત્મા મંદિરની અંદર તૈનાત પોલીસકર્મીઓ નો કોર્પોરેટ લુક પણ સમિટની વ્યવસ્થાનો એક વિશેષ ભાગ બનશે. મહાત્મા મંદિર ઉપરાંત મહેમાનોની અવરજવર અને ડેલિગેશનના રૂટ પર પણ પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.